Tech News 2026: દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ (Google) ની સેવાઓ અચાનક ખોરવાઈ જતાં કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. ગૂગલ સર્ચ એન્જિન કામ ન કરતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. યુઝર્સ જ્યારે કંઈ પણ સર્ચ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સ્ક્રીન પર ‘Server Error’ નો મેસેજ દેખાઈ રહ્યો છે. આ આઉટેજ બાદ સોશિયલ મીડિયા પર #GoogleDown ટ્રેન્ડ થવા લાગ્યું છે.
Downdetector પર ફરિયાદોનો મારો
આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ Downdetector અનુસાર, ગૂગલ સર્ચ એક્સેસ ન કરી શકવા બદલ 3000 થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
સૌથી વધુ ફરિયાદો સવારે 10:30 વાગ્યાની આસપાસ જોવા મળી હતી.
અહેવાલ મુજબ 57% ફરિયાદો ગૂગલ સર્ચ સંબંધિત હતી, જ્યારે 28% યુઝર્સે કન્ટેન્ટ લોડ ન થવાની અને 11% લોકોએ વેબસાઈટમાં ટેકનિકલ ખામીની ફરિયાદ કરી હતી.
યુઝર્સને શું મેસેજ દેખાઈ રહ્યો છે?
ગૂગલ (Google) સર્ચ કરવા પર સ્ક્રીન પર લખેલું આવે છે કે: “અમને દિલગીરી છે, પરંતુ તમારી વિનંતી પર પ્રક્રિયા કરતી વખતે આંતરિક સર્વર એરર આવી છે. અમારા એન્જિનિયરોને જાણ કરવામાં આવી છે અને તેઓ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા છે. મહેરબાની કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.”
ગૂગલનું સત્તાવાર નિવેદન બાકી
હાલમાં ગૂગલ (Google) તરફથી આ ટેકનિકલ સમસ્યા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, હોમપેજ પર દેખાતો મેસેજ સૂચવે છે કે કંપનીના એન્જિનિયરો આ સમસ્યાને ઠીક કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે. ગૂગલ સર્ચ વિશ્વનું સૌથી વધુ વપરાતું સર્ચ એન્જિન હોવાથી જો આ સમસ્યા લાંબો સમય ચાલે તો કરોડો યુઝર્સ અને ઓનલાઇન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
ગૂગલ સર્ચ એન્જિનનો ઇતિહાસ
ગૂગલ (Google) સર્ચ એન્જિનની શરૂઆત વર્ષ 1998 માં થઈ હતી. આજે તે ગ્લોબલ સર્ચ માર્કેટમાં 90% થી વધુ હિસ્સો ધરાવે છે. તે ‘વેબ ક્રોલર્સ’ નામના ઓટોમેટેડ સોફ્ટવેરની મદદથી અબજો વેબપેજ, ઈમેજ અને વીડિયોને સ્કેન અને ઇન્ડેક્સ કરે છે, જેથી યુઝર્સને સેકન્ડના ભાગમાં સચોટ માહિતી મળી રહે છે.
આ પણ વાંચો: જો 90 દિવસ સુધી રિચાર્જ નહીં કરો તો મોબાઈલ નંબર થઈ જશે બંધ, જાણો તમારું સિમ કાર્ડ બચાવવાની રીત
આ પણ વાંચો: મોબાઈલ પર અચાનક કેમ વાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ઈમરજન્સી એલર્ટનું ટેસ્ટિંગ


