Tamil Nadu Firecracker Factory Blast: દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતા અત્યાર સુધીમાં 19 શ્રમિકોના મોત નીપજ્યા છે. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે તેની લપેટમાં આસપાસના અન્ય ચાર યુનિટો પણ આવી ગયા હતા, જેના કારણે જાનહાનિનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે.

Tamil Nadu: કાટમાળ હટાવતા જ લાશોના ઢગલા મળ્યા
પ્રાથમિક માહિતી મુજબ, વિરુધુનગરના કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી ક્રેકર યુનિટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. શરૂઆતમાં 9 લોકોના મોતની આશંકા હતી, પરંતુ જેવો ફાયર બ્રિગેડ અને રાહત ટીમોએ કાટમાળ હટાવવાનું શરૂ કર્યું, તેમ મૃત્યુઆંક વધીને 19 પર પહોંચી ગયો હતો. આ દુર્ઘટનામાં 6 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ધડાકો એટલો જોરદાર કે આસપાસની ઇમારતો ધ્રૂજી ઉઠી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આજુબાજુની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે આસપાસના ચાર યુનિટોમાં પણ બ્લાસ્ટ થયા હતા. ઘટનાસ્થળે હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
Virudhunagar, Tamil Nadu: At least 19 people were killed and six injured in an explosion at a firecracker factory in Kattanarpatti. The blast at Vanaja Firecracker Factory damaged multiple rooms while around 30 workers were present. Firefighters doused the blaze after an hour,… pic.twitter.com/LAkzdKIufF
— IANS (@ians_india) April 19, 2026
મુખ્યમંત્રી સ્ટાલિને વ્યક્ત કર્યો શોક
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, “આ ઘટના અત્યંત આઘાતજનક છે. મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.” મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા છે.
શું સુરક્ષાના નિયમો નેવે મુકાયા હતા?
જોકે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સુરક્ષાના ધોરણોની અવગણના કરવામાં આવી હોવાની શંકા છે. ફટાકડા બનાવતી વખતે કેમિકલના મિશ્રણ દરમિયાન કોઈ ચૂક થઈ હોવાનું મનાય છે.
આ પણ વાંચો: તમિલનાડુના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા
આ પણ વાંચો: તમિલનાડુ ચૂંટણી 2026: NDAમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી, કોને કેટલી સીટ મળી?
