Trump Threatens Iran: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સોમવારે (20 એપ્રિલ) અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે. અહીં ઈરાન સાથે દ્વિપક્ષીય સંઘર્ષ ખતમ કરવા માટે બીજા તબક્કાની ટેકનિકલ સ્તરની વાતચીત હાથ ધરવામાં આવશે.
Trumpની ઈરાનને કડક ચેતવણી
ટ્રમ્પે (Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જો ઈરાન ડીલ નહીં કરે, તો હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. ઈરાનની ‘કિલિંગ મશીન’નો અંત લાવવાનો સમય આવી ગયો છે.” તેમણે વધુમાં ચેતવણી આપી કે જો ઈરાન પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલ સહિતના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેશે.
પાકિસ્તાનની મધ્યસ્થતા અને તૈયારીઓ
ટ્રમ્પે (Trump) આ મંત્રણામાં પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કર્યા છે અને પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ‘શાનદાર’ ગણાવ્યા છે. અહેવાલો મુજબ, રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર બે અમેરિકન કાર્ગો પ્લેન ઉતર્યા છે, જે VVIP પ્રતિનિધિમંડળના આગમનનો સંકેત છે. ઈસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. રેડ ઝોન અને એક્સટેન્ડેડ રેડ ઝોનને સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે.
હોટલો ખાલી કરાવાઈ: VVIP મહેમાનો માટે કિલ્લેબંધી
ઈસ્લામાબાદની લક્ઝરી હોટલો જેવી કે સેરેના, મેરિયટ અને મોવેનપિકમાં નવા બુકિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. સેરેના હોટલમાં રોકાયેલા મહેમાનોને પણ અન્ય સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. પ્રથમ તબક્કાની વાતચીત પણ સેરેના હોટલમાં થઈ હતી, જેનું નેતૃત્વ ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે કર્યું હતું.
હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ યથાવત
બીજી તરફ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પરના પ્રતિબંધો ચાલુ રાખવાની જીદ પકડી છે. ઈરાની વાર્તાકાર મોહમ્મદ બગેર ગાલિબાફે કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા નાકાબંધી નહીં હટાવે, ત્યાં સુધી ઈરાન પણ દરિયાઈ માર્ગ ખોલશે નહીં. ઈરાને અમેરિકન નાકાબંધીને ‘સમજણ વગરનો નિર્ણય’ ગણાવ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર સોમવારની મંત્રણા પર છે કે શું પાકિસ્તાનની ધરતી પરથી શાંતિનો કોઈ રસ્તો નીકળશે કે સંઘર્ષ વધુ ઉગ્ર બનશે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.

