Punjab News : પંજાબના લુધિયાણા (Ludhiana)માં એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે (Lady Inspector)પોતાના જ વિભાગના સબ ઇન્સ્પેક્ટર સામે દુષ્કર્મ (Rape)નો ગંભીર આરોપો લગાવતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પીડિતાના આરોપ મુજબ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ઓળખાણ બાદ આરોપીએ વિશ્વાસમાં લઈ હોટલમાં બોલાવી નશીલો પદાર્થ પીવડાવ્યો અને બેભાન અવસ્થામાં દુષ્કર્મ કર્યું. ત્યારબાદ અશ્લીલ વીડિયો અને ફોટા બનાવી લાંબા સમય સુધી બ્લેકમેલ (Blackmail)કરીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર વર્ષ 2023 દરમિયાન બંનેની ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ થઈ હતી. વાતચીત વધતાં આરોપી સબ ઇન્સ્પેક્ટર સાહિબમીત સિંહે મુલ્લાંપુરમાં મળવા બોલાવી હતી. ત્યાં હોટલમાં કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા બાદ પ્રથમ વખત દુષ્કર્મ (Rape)કરવામાં આવ્યું હોવાનું પીડિતાએ જણાવ્યું છે.
મહિલા ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે આરોપીએ મોબાઇલમાં અશ્લીલ વીડિયો અને ફોટા બનાવ્યાની જાણ કરી અને જો ફરિયાદ કરવામાં આવશે તો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ડરના કારણે આરોપી લાંબા સમય સુધી અલગ-અલગ સ્થળે બોલાવી વારંવાર શારીરિક શોષણ કરતો રહ્યો હોવાનો આરોપ છે.
ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીએ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત અશ્લીલ વીડિયો પતિને મોકલી દેવાની ધમકી આપીને પીડિતા પર છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. આ માનસિક દબાણને કારણે તેમનું વૈવાહિક જીવન પણ તૂટી ગયું હોવાનું જણાવાયું છે.
મહિલા ઇન્સ્પેક્ટરે વધુમાં આરોપ લગાવ્યો છે કે શોષણ દરમિયાન ત્રણ વખત ગર્ભવતી થતાં આરોપીએ દબાણપૂર્વક ગર્ભપાત કરાવ્યો. ત્યારબાદ આરોપીની માતાએ લગ્ન કરાવી દેવાની ખાતરી આપીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અંતે સતત શોષણથી કંટાળીને પીડિતાએ દાખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 23 જુલાઈએ આરોપી સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (દુષ્કર્મ) અને 506 (ધમકી) હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ આરોપીની માતાની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન એસએસપીએ સાહિબમીત સિંહે સાહિબમીત સિંહેને સસ્પેન્ડ કરી દીધા છે.
