Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં પડેલા સરેરાશ 11 ઈંચ વરસાદે માત્ર રસ્તાઓને જ નહીં, પરંતુ હજારો વાહનમાલિકોના ખિસ્સાને પણ મોટો ફટકો આપ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારો, સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં હજારો કાર અને ટુ-વ્હીલર પાણીમાં ડૂબી ગયા હતા. હવે એક તરફ વાહનોના મોંઘા રિપેરિંગનો ખર્ચ છે તો બીજી તરફ વીમા કંપનીઓ અને ડીલરોની કડક શરતો તથા મનમાનીના કારણે વાહનમાલિકોની મુશ્કેલી અનેકગણી વધી ગઈ છે.
Ahmedabadમાં વરસાદથી હજારો વાહનોને ભારે નુકસાન
ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ વાહનચાલકોને મોટું નુકસાન (Vehicle Damage)પહોંચાડ્યું છે. શહેરમાં સરેરાશ 11 ઈંચ વરસાદ નોંધાતા અનેક રસ્તાઓ, સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અંદાજે 16 હજારથી વધુ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેમાં 4,000થી વધુ કાર અને 12,000થી વધુ ટુ-વ્હીલરોનો સમાવેશ થાય છે. પાણીમાં કલાકો સુધી વાહનો ડૂબેલા રહેતાં એન્જિન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને અન્ય મહત્વના પાર્ટ્સને ભારે નુકસાન થયું છે. અનેક વાહનો સ્ટાર્ટ પણ થઈ શકતા નથી, જેના કારણે વાહનમાલિકો સીધા સર્વિસ સ્ટેશન અને ગેરેજનો સંપર્ક કરી રહ્યા છે.
વરસાદમાં નુકસાન પામેલા વાહનોના વીમા ક્લેમમાં ગ્રાહકોને ધક્કા
વરસાદ બાદ શહેરના લગભગ તમામ ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશનો અને વીમા કંપનીઓમાં ગ્રાહકોની પૂછપરછમાં અચાનક જ 10 ગણો વધારો નોંધાયો છે. હજારો વાહનમાલિકો પોતાના વાહનનો વીમો પાસ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન વીમા કંપનીઓની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કાર માટે એવી શરત મૂકવામાં આવી રહી છે કે જો વાહન ક્રેન દ્વારા સીધું વર્કશોપમાં લાવવામાં આવ્યું હોય તો જ સંપૂર્ણ વીમો (100%) મળવાની શક્યતા રહે છે. જો વાહનમાલિકે પોતાની રીતે કાર સ્ટાર્ટ કરીને વર્કશોપ સુધી પહોંચાડી હોય તો વીમાની રકમમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
ટુ-વ્હીલર (Two Wheeler)માલિકોની સ્થિતિ તો વધુ મુશ્કેલ બની છે. અનેક કિસ્સાઓમાં વરસાદી પાણીથી થયેલા નુકસાન માટે વીમા કંપનીઓ ક્લેમ (Vehicle Insurance Claim)સ્વીકારવામાં અચકાટ દાખવી રહી હોવાનું વાહનમાલિકો જણાવી રહ્યા છે. પરિણામે રિપેરિંગનો મોટાભાગનો ખર્ચ પોતાની જેબમાંથી કરવો પડી રહ્યો છે.
વરસાદી આફતમાં મજબૂરીનો ફાયદો: ક્રેન અને કારીગરોએ વસૂલ્યા બમણા ચાર્જ
ભારે વરસાદ બાદ શહેરમાં રસ્તા પર બંધ પડેલા વાહનોની સંખ્યા વધતા સ્થાનિક કારીગરો અને ક્રેન ઓપરેટરોએ પણ તકનો લાભ લીધો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સામાન્ય રીતે રૂ. 100 જેટલી સેવામાં કેટલાક કારીગરોએ સ્કુટર કે બાઈક માત્ર સ્ટાર્ટ કરી આપવા માટે રૂ. 100થી 200 સુધી વસૂલ્યા હતા. બીજી તરફ સામાન્ય દિવસોમાં રૂ. 500થી 1000માં મળતી ક્રેન સેવા માટે વરસાદ દરમિયાન રૂ. 3000થી 5000 સુધીનો ચાર્જ લેવામાં આવ્યો હોવાનું વાહનચાલકોનું કહેવું છે. આ પરિસ્થિતિમાં લોકો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીમાં વધુ રકમ ચૂકવવી પડી હતી.
HSRP નંબર પ્લેટથી લઈને હાઈ-એન્ડ સેન્સર સુધી નુકસાન
પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં શહેરમાં 300થી વધુ વાહનોની HSRP નંબર પ્લેટ તૂટી ગઈ અથવા વહી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ નવી નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા સરળ હોવા છતાં કેટલાક ડીલરો ગ્રાહકો પાસે પોલીસ ફરિયાદની માંગ કરી રહ્યા છે. ઉપરાંત રૂ. 200ના ખર્ચે મળતી HSRP પ્લેટ માટે રૂ. 1000 સુધી વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
બીજી તરફ આધુનિક કારોમાં એન્જિન કન્ટ્રોલ મોડ્યુલ (ECM), સેન્સર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ વાહનના નીચેના ભાગમાં લગાવવામાં આવ્યા હોય છે. પાણીમાં લાંબા સમય સુધી વાહન ડૂબેલું રહેતાં આ સંવેદનશીલ સિસ્ટમ્સમાં પાણી ઘૂસી જવાથી તે સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે. પરિણામે હજારો રૂપિયાના નહીં પરંતુ અનેક કિસ્સામાં લાખો રૂપિયાના રિપેરિંગ બિલનો સામનો કરવો પડી શકે છે.
વાહન નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદમાં પાણીમાં ડૂબેલા વાહનને તરત સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સૌથી પહેલા વાહનને ક્રેન દ્વારા સર્વિસ સેન્ટર સુધી પહોંચાડવું, પાણીમાં ડૂબેલી સ્થિતિના ફોટા સાચવી રાખવા અને ત્યારબાદ જ વીમા ક્લેમની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. આ ઉપરાંત સરકાર અને સંબંધિત તંત્રએ પણ વીમા કંપનીઓ અને ડીલરોની કામગીરી પર નજર રાખી અસરગ્રસ્ત વાહનમાલિકોને ઝડપી રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે.
આ પણ વાંચો: પુત્રીએ સંભાળ્યો મૃત પિતાનો વ્યવસાય તો વીમા કંપનીએ ક્લેમ આપવાનો કર્યો ઇનકાર; SC એ શું કહ્યું…
આ પણ વાંચો: વીમા કંપની સાથે ફ્રોડ કરનારનો હવે પોલીસ ઉતારશે ‘વીમો’
આ પણ વાંચો: જો કોઈ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવાથી મૃત્યુ પામે, તો શું વીમા કંપની વળતર આપશે ? હાઈકોર્ટે શું કહ્યું?
