india news/ નાસિક TCS ધર્માંતરણ અને શોષણ કેસ: મુખ્ય આરોપી નિદા ખાનને મળી જામીન, કોર્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો કર્યો ઉલ્લેખ

TCS Nashik case: નાસિક TCS કેસમાં ગર્ભાવસ્થાને ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી નિદા ખાનને કોર્ટે જામીન આપ્યા, જ્યારે કેસની કાર્યવાહી યથાવત રહેશે.

India Top Stories
TCS Nashik case:

TCS Nashik case: મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ, મહિલા કર્મચારીઓના યૌન શોષણ અને બ્લેકમેઇલિંગ કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનને જામીન મળ્યા છે. વધારાના સત્ર ન્યાયાલયે આપેલા આદેશમાં આરોપીની પાંચ મહિનાની ગર્ભાવસ્થાને મહત્વપૂર્ણ પરિબળ ગણાવ્યું હતું. ખાસ કરીને કોર્ટે ભગવાન શ્રીકૃષ્ણના કારાગારમાં થયેલા જન્મનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈપણ નવજાત બાળકને આવી પરિસ્થિતિમાં જન્મ લેવાની સામાજિક પીડા ભોગવવી ન પડે. જેના લીધે તેમના જામીન મજુંર કરવામાં આવ્યા છે

શું છે સમગ્ર મામલો?

નિદા ખાન સામે આરોપ છે કે તે નાસિક સ્થિત TCSની BPO યુનિટમાં કાર્યરત હતી અને અન્ય સહ-આરોપીઓ સાથે મળીને મહિલા કર્મચારીઓનું યૌન શોષણ, બ્લેકમેઇલિંગ તેમજ કથિત રીતે ધર્માંતરણ માટે દબાણ કરવાની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિંદુ ધર્મ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરીને કેટલીક મહિલા કર્મચારીઓને ઇસ્લામ સ્વીકારવા માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કેસ સામે આવ્યા બાદ પોલીસે ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી અને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

કોર્ટે કેમ આપ્યા જામીન?

નાસિક રોડ સ્થિત વધારાના સત્ર ન્યાયાલયે 6 જુલાઈએ આરોપી નિદા ખાનની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, નિદા ખાન પાંચ મહિનાની ગર્ભવતી છે, પોલીસ દ્વારા સમગ્ર તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. ઉપરાંત, તપાસ માટે હવે આરોપીની વધુ પોલીસ કસ્ટડી જરૂરી ન હોવાથી કોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જામીન આપવાનો અર્થ આરોપોમાંથી મુક્તિ નથી, પરંતુ માત્ર ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા મુજબ રાહત આપવામાં આવી છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉલ્લેખ કેમ થયો?

જામીનના આદેશમાં ન્યાયાધીશે નોંધ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કારાગારમાં થયો હતો. કોર્ટે જણાવ્યું કે આજના સમયમાં કોઈ પણ બાળકને જેલમાં જન્મ લેવાની પરિસ્થિતિનો સામનો કરવો ન જોઈએ. ગર્ભસ્થ બાળકના હિત, તેના ભવિષ્ય અને માનવીય સંવેદનાઓને ધ્યાનમાં રાખીને ન્યાયિક વિવેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કોર્ટની આ ટિપ્પણી બાદ આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે અને વિવિધ સ્તરે તેના પર ચર્ચા શરૂ થઈ છે.

કેસ હજુ ચાલુ રહેશે

કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે નિદા ખાનને જામીન મળવાનો અર્થ કેસનો અંત નથી. તેમની સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી યથાવત રહેશે. હવે કેસની આગામી કાનૂની પ્રક્રિયા અંતર્ગત પહેલા આરોપ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવશે અને રજૂ કરાયેલા પુરાવાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કોર્ટ આરોપી દોષિત છે કે નિર્દોષ, તે અંગે અંતિમ નિર્ણય આપશે.
જો આરોપી જામીનની શરતોનું ઉલ્લંઘન કરશે તો તપાસ એજન્સી અથવા સરકારી પક્ષ ફરીથી જામીન રદ કરવાની માંગ કરી શકે છે.

માનવતા અને કાયદા વચ્ચેનું સંતુલન

આ નિર્ણય ફરી એક વખત દર્શાવે છે કે ભારતીય ન્યાયવ્યવસ્થામાં જામીન આપતી વખતે માત્ર આરોપોની ગંભીરતા જ નહીં, પરંતુ આરોપીની વ્યક્તિગત પરિસ્થિતિ, તપાસની સ્થિતિ અને બંધારણીય અધિકારોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ કેસમાં કોર્ટે ગર્ભવતી મહિલાના ગર્ભસ્થ બાળકના હિતને મહત્વ આપીને જામીન મંજૂર કર્યા છે, જ્યારે કેસની કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ યથાવત ચાલુ રહેશે.