Chandipura Virus: સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ચિંતા વધી છે. છેલ્લા 16 દિવસમાં શંકાસ્પદ કેસોમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે.
માહિતી મુજબ, રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા તાલુકાના લુક ગામની રહેવાસી બે વર્ષની બાળકીની તબિયત બગડતાં તેને 9 જુલાઈએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન 11 જુલાઈની રાત્રે બાળકીનું મોત થયું હતું.
હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ના ડૉ. જણાવ્યું હતું કે, બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુની સંખ્યા હવે પાંચ થઈ છે. હાલમાં હોસ્પિટલના PICU વિભાગમાં અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દેડકા ગામની ત્રણ વર્ષની બાળકી 8 જુલાઈથી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આરોગ્ય તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
