T20 World Cup/ સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

કોહલી એન્ડ કંપનીએ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીત નોંધાવીને કરોડો ભારતીય ચાહકોની આશા વધારી હશે, પરંતુ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ટિકિટ મેળવવા માટે નસીબની જરૂર પડશે.

Top Stories Sports
India vs Scotland

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ અગાઉની બે મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડનાં હાથે સતત હારનો હિસાબ ચૂકવી દીધો છે. અફઘાનિસ્તાનને એકતરફી રીતે હરાવ્યા પછી, ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ સ્કોટલેન્ડને ખરાબ રીતે હરાવ્યું છે. સ્કોટલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર બેટિંગ કરી માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવ્યો હતો.

આ પણ વાંચો – આરોપ / ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી પેંગ શુઇએ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો

કેએલ રાહુલ અને રોહિત શર્માની તોફાની બેટિંગનાં કારણે ભારતીય ટીમે સ્કોટલેન્ડ તરફથી મળેલા 86 રનનાં ટાર્ગેટનો પીછો માત્ર 39 બોલમાં જ કરી લીધો હતો. સતત બીજી જીત સાથે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે અને ટીમ હવે નેટ રન રેટનાં મામલે ગ્રુપ-2માં ટોપ પર પહોંચી ગઈ છે. ચાલો તમને જણાવીએ કે છેલ્લા ચારમાં પોતાની સીટ કન્ફર્મ કરવા માટે ભારતે હવે શું કરવું પડશે. કોહલી એન્ડ કંપનીએ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીત નોંધાવીને કરોડો ભારતીય ચાહકોની આશા વધારી હશે, પરંતુ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ટિકિટ મેળવવા માટે નસીબની જરૂર પડશે. ભારત અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકશે કે નહીં તે અફઘાનિસ્તાન ટીમ પર નિર્ભર રહેશે. જો મોહમ્મદ નબીનાં નેતૃત્વમાં અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 7 નવેમ્બરે રમાનારી મેચમાં કેન વિલિયમસનની ટીમને હરાવવામાં સફળ રહેશે તો ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં રમવાનું સ્વપ્ન સાકાર થશે. જોકે, ભારતનાં દ્રષ્ટિકોણથી એ પણ જરૂરી છે કે અફઘાનિસ્તાન કિવી ટીમ પર મોટા માર્જિનથી જીતી ન જાય.

આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત

સ્કોટલેન્ડ વિરુદ્ધની જીત બાદ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ હવે +1.619 થઈ ગયો છે અને ટીમ ગ્રુપ 2નાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. જો અફઘાનિસ્તાન 7 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને અપસેટ કરવામાં સફળ રહેશે તો હારને કારણે કિવી ટીમનો નેટ રનરેટ પણ ઘટી જશે. આ સ્થિતિમાં, મોહમ્મદ નબીની ટીમ ન્યૂઝીલેન્ડથી આગળ નીકળી જશે અને બન્ને ટીમોને છ-છ પોઈન્ટ મળશે. આ પછી ભારતે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડને પાછળ છોડવા માટે 8 નવેમ્બરે મોટા અંતરથી જીતવું પડશે. જો કોહલીની ટીમ આ કામ કરશે તો તેને પણ છ પોઈન્ટ મળશે, પરંતુ મોટી જીતનાં કારણે તે સેમીફાઈનલની ટિકિટ મેળવી લેશે.