US News: યુ.એસ. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ લોસ એન્જલસ અને ઓરેન્જ કાઉન્ટીમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની યોજના સમયસર ઉઘાડી કાઢી છે. નવા વર્ષની ઉજવણી પહેલાં જ અમેરિકામાં એક મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી માટે FBIએ “ઓપરેશન મિડનાઇટ સન” નામ આપ્યું હતું.

FBIની સમયસર કાર્યવાહી
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ કેલિફોર્નિયાના લોસ એન્જલસ અને ઓરેન્જ કાઉન્ટીઓમાં અનેક સ્થળોને નિશાન બનાવતા મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.

શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની યોજના-મોજાવે રણમાં IED ટેસ્ટ
યુ. એસ. એટર્ની જનરલ પામ બોન્ડીએ સોમવારે જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓનું આયોજન કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓએ 12 ડિસેમ્બરે IEDના પરીક્ષણ વિસ્ફોટ માટે દૂરના મોજાવે રણની પણ મુલાકાત લીધી હતી.
ICE એજન્ટોને નિશાન બનાવવાની યોજના, “ટર્ટલ આઇલેન્ડ લિબરેશન ફ્રન્ટ” કોણ?
એટર્ની જનરલના જણાવ્યા અનુસાર, પોતાને “ટર્ટલ આઇલેન્ડ લિબરેશન ફ્રન્ટ” કહેતું જૂથ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. આ જૂથને કટ્ટરપંથી ડાબેરી, પેલેસ્ટિનિયન તરફી, સરકાર વિરોધી અને મૂડીવાદી વિરોધી તરીકે વર્ણવવામાં આવે છે. આ કાવતરામાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના એજન્ટો અને તેમના વાહનોને નિશાન બનાવવાની યોજના પણ સામેલ હતી.
![]()
તપાસ એજન્સીઓએ શું કહ્યું?
તપાસ એજન્સીઓ કહે છે કે નવા વર્ષની રાત્રે બરાબર 12 વાગ્યે લોસ એન્જલસ વિસ્તારમાં પાંચ અલગ-અલગ સ્થળોએ બે અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની યોજના હતી. આ ઓપરેશનને ઓપરેશન મિડનાઇટ સન નામ આપવામાં આવ્યું હતું. બોમ્બ હુમલાની રૂપરેખા આઠ પાનામાં નોંધવામાં આવી હતી.
