New Delhi News: પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં દર વર્ષે પરેડનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં ત્રણેય સેના પોતાના લશ્કર, આધુનિક શસ્ત્રો, તોપો વગેરેનું પ્રદર્શન કરે છે. ભારત આ વર્ષે રાજપથ પર સ્વદેશી ‘મેડ ઈન ઈન્ડિયા’ હથિયારોનું વિશેષ પ્રદર્શન યોજશે.
LCH પ્રચંડ હેલિકોપ્ટર
રાજપથ પર આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લશ્કરી પરેડમાં સ્વદેશી શસ્ત્રો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. પરેડ દરમિયાન LCH પ્રચંડ હેલિકોપ્ટર, પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર અને એન્ટી ટેન્ક મિસાઈલ નાગ જેવા સ્વદેશી હથિયારો પ્રદર્શિત કરવામાં આવશે. LCH પ્રચંડ હેલિકોપ્ટર એ દેશનું પ્રથમ સ્વદેશી મલ્ટી રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન કરાયું છે.
LCH ભીષણ ગ્રાઉન્ડ એટેક અને એર એટેક (હવામાં પ્રહાર કરવો) માટે સક્ષમ છે. આ હેલિકોપ્ટર આધુનિક સ્ટીલ્થ(Stealth) ટેક્નોલોજીથી સજ્જ છે. જેમાં આર્મર પ્રોટેક્શન અને રાત્રે હુમલો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમાં આધુનિક નેવિગેશન સિસ્ટમ્સ અને એર-ટુ-એર મિસાઇલો લગાવવામાં આવી છે.
નાગ(Nag) મિસાઇલ
નાગ(Nag) મિસાઇલ સિસ્ટમ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્કને નષ્ટ કરવામાં ઘણી અસરકારક છે અને ખાસ વાત એ છે કે આ મિસાઈલ સિસ્ટમ દિવસ અને રાતમાં પણ હુમલો કરવામાં સક્ષમ છે. તે પોતાના લક્ષ્યને આપમેળે સિદ્ધ કરવામાં સક્ષમ છે. નાગ મિસાઇલનું વાહક NAMICA BMP-2 સિસ્ટમ પર આધારિત છે અને તેને જમીન તેમજ પાણીની સપાટી પરથી ફાયર કરી શકાય છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન આધુનિક બખ્તરબંધ વાહનો અને અન્ય ખાસ પ્રકારના વાહનો પણ પ્રદર્શિત કરવામાં આવશે.
મુખ્ય અતિથિ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતમાં વિકસાવેલા શસ્ત્રો જેવા કે, T-90 ટેન્ક, BMP-2 પાયદળ લડાયક વાહન, ડ્રોન જામર, અદ્યતન ઓલ-ટેરેન બ્રિજ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને મલ્ટી-ફંક્શન રડાર વગેરેનું પણ પ્રદર્શન કરવામાં આવશે.