Ahmedabad News: ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદમાં વૃક્ષારોપણ (Tree plantation) કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર (4) મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા ‘સિંદૂર વન’ના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન’ તૈયાર કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્લો સહિત 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ 38 જેટલા વૃક્ષરથ તૈયાર કરવામાં આવનાર છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીએ પુરસ્કાર સ્વરૂપે સાઇકલ એનાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 40 લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોના ઘરે જઈને વિનામૂલ્ય વૃક્ષારોપણ કરી આપશે. આ માટે કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા AMC સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે.
આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. AMC દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઑક્સિજન પાર્ક પણ આ જ દિશામાં શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત
આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક
