ગુજરાત/ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ.એ ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો

તળાવ-નાના ડેમ છલકાયા હોય અને કોઝ વે-માર્ગો પર પાણી વહેતુ હોય તો લોકોની અવર-જવર, વાહન વ્યવહાર બંધ કરી સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકિદ કરાઈ

Top Stories Gujarat Others
પાંચ જિલ્લાની

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વરસાદ પ્રભાવિત અને રેડ અલર્ટ જાહેર થયેલા પાંચ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો હતો.  ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો પાસેથી મેળવી હતી.મંગળવારે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ જે માર્ગ પર કે કોઝ-વે પર વધુ પાણી વહેતું હોય, તળાવ છલકાયા હોય, નાના ડેમ છલકાયા હોય અને માર્ગો પર પાણી વહેતું હોય તો કોઇ વ્યક્તિ કે વાહનો ત્યાં જાય નહીં તે માટે આવા માર્ગો અવર-જવર માટે બંધ કરવા અને જરૂર જણાયે પોલીસ તંત્રની મદદ લેવા પણ સુચના આપી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પાંચ જિલ્લાના જિલ્લા વહિવટી તંત્રોને બચાવ-રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓની કામગીરી તેમજ NDRF, SDRF ની ટુકડીઓનું જરૂરી સંકલન સાધવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

પાંચ જિલ્લાની

મુખ્યમંત્રીએ સ્પષ્ટ ક્હ્યું કે, માનવ જીવન અમૂલ્ય છે ત્યારે વરસાદને કારણે જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય અને જાનહાનિ ન થાય તેવી  સતર્કતા સાથે સલામતિના જરૂરી પગલા લેવા પણ તેમણે સુચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વરસાદ અસરગ્રસ્ત સૌ જિલ્લાના વહિવટીતંત્ર વાહકોને આશ્રય સ્થાનોમાં રહેલા લોકોને પૂરતી ભોજન સુવિધા અને અન્ય જરૂરી સગવડ મળે તે સુનિશ્ચિત કરવા પણ તાકીદ કરી હતી. તેમણે ખાસ કરીને નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી પાણી ઓસરે કે તુરત જ માર્ગોની આડશો દુર કરી ખુલ્લા કરવા ઉપરાંત સાફ સફાઈ માટે પણ સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાના કલેકટરઓને કોઈપણ વધુ અને તાકીદની મદદ માટે રાજ્ય સરકાર સાથે સતત સંકલન રાખવા પણ જણાવ્યું હતું. મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, રાહત કમિશ્નર પી. સ્વરૂપ પણ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

આ પણ વાંચો : ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ