Vadodra News:આરોગ્ય બાબતે મોટી મોટી વાતો કરતી સરકારની હકીકત ફરી એકવાર બે દિવસ પહેલાં બોડેલીમાં સામે આવી છે.મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના એક દર્દીને વડોદરાની સરકારી હોસ્પિટલમાંથી અધૂરી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જેના કારણે દર્દી પોતાના પુત્ર સાથે બોડેલીના રસ્તા પર અટવાઈ ગયો હતો.દર્દીના પુત્રએ પિતાને તાત્કાલિક સારવાર મળે તે માટે રૂદન ભરેલી વિનંતી કરી છે, પરંતુ સરકારના આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે માનવતાને શરમાવે તેવો દ્રશ્ય બોડેલીના રસ્તા પર જોવા મળ્યા હતા.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના દેટકુંડા ગામના રૂપસિંગ ચૌધરીને સ્વાસ્થ્ય બગડતાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પરંતુ ખાનગી હોસ્પિટલમાં ખર્ચ વધુ હોવાથી દર્દીને વડોદરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં તપાસ બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે દર્દીની હાલત ગંભીર છે અને તે બચી નહીં શકે એમ કહી સારવાર આપ્યા વગર જ રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી કોઈ દસ્તાવેજ કે રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો, જે દર્દીના પરિવારજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.પિતાને બચાવવા ઝઝૂમતો પુત્ર વટેસીંગ ચૌધરીએ જણાવ્યું કે “અમને હોસ્પિટલમાંથી કોઈ પેપર નથી મળ્યા. ડૉક્ટરોએ કહ્યું કે દર્દી નથી બચી શકતો એટલે રજા આપી.”તેના શબ્દોમાં સ્પષ્ટ દુખ અને અસમર્થતાની લાગણી હતી.
બોડેલી પહોંચતા જ દર્દીનો પરિવાર રસ્તા પર અટવાઈ ગયો હતો યોગ્ય આરોગ્યસેવાની સુવિધાના મળતા દર્દીને લઇ રજડતી હાલતમા જોવા મળ્યા હતા દર્દીના સગા અભણ હોવાથી હોસ્પિટલનું ચોક્કસ નામ અથવા ડૉક્ટરનું નામ પણ તેમને ખબર નથી.પરંતુ તેઓ સ્પષ્ટપણે કહે છે કે વડોદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાંથી તેમને આ રીતે પાછા મોકલવામાં આવ્યા.
આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય વિભાગની નિષ્ફળતાને ચીતરી દીધી છે એક બાજુ સરકાર આરોગ્યસેવા સુધારવાની વાત કરે છે અને બીજી બાજુ અભણ ગરીબ દર્દીઓ રસ્તા પર તડપતા રહે છે.આ કેસ માત્ર એક દર્દીનો નથી પણ દેશના આરોગ્ય તંત્રની હકીકત છે જ્યાં સારવાર કરતાં પણ વધુ મુશ્કેલ છે સારવાર સુધી પહોંચવું.હાલ રૂપસિંગ ચૌધરીની હાલત ગંભીર છે અને તેનો પુત્ર પોતાના પિતાનો જીવ બચાવવા તંત્રની મદદ માટે ઝઝૂમી રહ્યો છે.
આ પણ વાંચો:વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો ને મોત મળ્યું, ખંજરના ઘા મારીને હત્યા કરી
આ પણ વાંચો:વડોદરામાં નશામાં ધૂત નબીરાએ રસ્તા પર સૂતેલા મજૂરો પર ચડાવી કાર
આ પણ વાંચો:વડોદરામાં ડભોઇ બોડેલી રોડ ઉપર અકસ્માત, બે મિત્રોના મોત
