ડીસા ડેપોની પાલનપુર થી ભુજ જતી એસ.ટી. બસમાં મંગળવારે સાંજે આડેસર ખાતે રહેતા અનવરભાઇ ઐયુબભાઈ હિંગોરજા તેમના પરિવાર સાથે ભચાઉ જવા માટે આડેસરથી બસમાં બેઠા હતા. તે દરમ્યાન તેમના પરિવારની મહિલાઓ રાઈમાબેન અને હસીનાબેન પોતાની સાથે સોના ચાંદીના દાગીના નાનકડી પતરાની પેટીમાં મૂકી પેટી ભરેલો થેલો તેમની સાથે લઈને બેઠા હતા.
ભચાઉ આવતા બસમાં થેલો ભૂલી જઈ તેઓ ઉતરી ગયા હતા. બસમાં કોઈ મુસાફરનો થેલો રહી ગયો તેવી જાણ થતા બસના કંડકટર અમરાતભાઈ દેસાઈએ આ માહિતી ડ્રાઇવર બળવંતસિંહ રાજપૂતને જાણ કરી હતી. ત્યાર બાદ આ માહિતી તેમણે ડીસા ડેપો ને જાણ કરી.હતી. આ દરમિયાન અનવરભાઈ એ પણ પોતાનો થેલો બસમાં રહી ગયો હોવાની જાણ ભુજ ડેપો મારફતે કરતાં ડીસા ડેપોના કંડકટર અમ્રતભાઇ અને ડ્રાઇવર લક્ષ્મણસિંહે થેલો તેમની પાસે હોવાની જાણ કરતા તેઓ ચિંતા મુક્ત થયા હતા.

બુધવારે અનવરભાઈ પરિવાર સાથે ડીસા ડેપો ખાતે બોલાવી ડેપો મેનેજર કે.કે. પરમાર, ટ્રાફિક ઇન્સ્પેક્ટર જે.જે. પંચિવાલા, એટીઆઇ એલ.એ. ચૌહાણ અન ટીસી આર.કે. દેસાઈ સહિતના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કંડકટર અને ડ્રાઈવરે દાગીના ભરેલો થેલો અનવરભાઇ, રઇમાબેન અને હસીનાબેનને પરત કરતા પરિવાર ભાવવિભોર બની ગયો હતો. બંને મહિલાઓએ આ ઘટનાથી ડ્રાઈવર અને કન્ડક્ટરનું મો મીઠું કરી તેમને ભાઈ ગણ્યા હતા.
એસટી કર્મચારીઓએ ડ્રાઈવર-કંડકટરની પ્રમાણિકતાને બિરદાવી આગામી સમયમાં તેઓનું એસ.ટી વિભાગ અને કર્મચારી યુનિયન દ્વારા પણ સન્માન કરવામાં આવે તેવી લાગણી દર્શાવી હતી.
