Khan Sir Controversy Bihar:બિહારના ચર્ચિત કોચિંગ સેક્ટરનો વિવાદ હવે એક અત્યંત ખતરનાક અને રહસ્યમય વળાંક પર પહોંચી ગયો છે. ‘જ્ઞાન બિંદુ જીએસ એકેડમી’ ના સંચાલક રૌશન આનંદના નાના ભાઈ પ્રિન્સ યાદવના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ ઉમટી પડી હતી, જ્યાં લોકોમાં ભારે આક્રોશ અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ બેઉર જેલમાંથી જામીન પર બહાર આવેલા રૌશન આનંદે મીડિયા સમક્ષ પટનાના પ્રખ્યાત ‘ખાન સર’ તરીકે જાણીતા ફેઝલ ખાન (Faisal Khan) પર સીધો પ્રહાર કરતા પોતાના ભાઈની હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ફેઝલ ખાન ભણાવતા ઓછું અને ષડયંત્રો વધુ રચે છે
મીડિયા સાથેની વાતચીતમાં રૌશન આનંદે અત્યંત તીખા શબ્દોનો ઉપયોગ કરતા જણાવ્યું કે, “ફેઝલ ખાન સવારથી સાંજ સુધી માત્ર ષડયંત્રો રચવાનું કામ કરે છે. તેમણે પટના પોલીસને પણ ગુમરાહ કરી રાખી છે, જેના લીધે પોલીસ તેમને જ સપોર્ટ કરી રહી છે, મને નહીં. મારા ભાઈના આકસ્મિક મોહજાનમને એક સામાન્ય ઘટના તરીકે દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ હું સત્ય સામે લાવીને જ જંપીશ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું એક સનાતની હિન્દુ છું. હું કોઈ પણ પ્રકારનો કાનૂની સંઘર્ષ કે સંઘર્ષ નથી ઈચ્છતો, માત્ર ન્યાય ઈચ્છું છું. મને દેશની કાયદો અને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે અને હું પટના પોલીસની તપાસમાં પૂરો સહયોગ કરીશ.”
નેપાળની હોટલમાં મળી હતી પ્રિન્સ યાદવની લાશ
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ પ્રિન્સ યાદવનું સંદિગ્ધ મોત છે. થોડા દિવસો પહેલા પટનાની બે મોટી કોચિંગ સંસ્થાઓ વચ્ચે ભારે મારામારી, તોડફોડ અને ફાયરિંગની ઘટનાઓ બની હતી, જેમાં રૌશન આનંદ જેલ ગયા હતા. આ કેસની તપાસમાં પ્રિન્સ યાદવનું નામ પણ સામે આવ્યું હતું. આ દરમિયાન અચાનક પ્રિન્સ યાદવની લાશ નેપાળની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર મામલો રહસ્યથી ઘેરાઈ ગયો છે. હાલ નેપાળ પોલીસ હોટલના સીસીટીવી (CCTV) ફૂટેજ અને મોબાઈલ ડેટાના આધારે તપાસ કરી રહી છે.
તેજસ્વી યાદવે કરી CBI તપાસની માંગ
આ મામલાએ બિહારના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને (Samrat Choudhary) પત્ર લખીને આ સમગ્ર હિંસક વિવાદ અને યુવકના રહસ્યમય મોતની CBI તપાસ કરાવવાની સખત માંગ કરી છે. તેજસ્વી યાદવે બિહાર પોલીસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જો સરકાર પાસે છુપાવવા માટે કંઈ ન હોય તો આ કેસ તાત્કાલિક સેન્ટ્રલ એજન્સીને સોંપવો જોઈએ.
Khan Sirએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
બીજી તરફ, ખાન સરે(Khan Sir) પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રિન્સ યાદવનું મોત અત્યંત દુઃખદ છે, પરંતુ આ ઘટના સાથે તેમને દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. ખાન સરે (Khan Sir) પોતે પણ તપાસ એજન્સીઓને અપીલ કરી છે કે તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે, અને એ શોધી કાઢે કે મોત પહેલા પ્રિન્સ નેપાળમાં કોના સંપર્કમાં હતો. હાલમાં કોઈપણ તપાસ એજન્સીએ સત્તાવાર રીતે ખાન સરને(Khan Sir) આ કેસમાં દોષિત જાહેર કર્યા નથી અને નેપાળ પોલીસના ઓફિશિયલ પીએમ (Post-Mortem) રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
