Khan Sir Coaching Center Attack 2026: બિહારની રાજધાની પટનામાં મંગળવારે (2 જૂન) રાત્રે પ્રખ્યાત શિક્ષક ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટરની બહાર ભારે હોબાળો અને હુમલો થવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં આ ઘટનામાં અંધાધૂંધ ફાયરિંગ થયું હોવાની અફવાઓ ઉડી હતી, જેના પર પટના પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી, પરંતુ તોડફોડ અને પથ્થરમારો ચોક્કસ કરવામાં આવ્યો છે.
કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના 15 થી 20 લોકોએ કર્યો પથ્થરમારો(Khan Sir)
પટના પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સેન્ટર’ (Khan Sir) પર હુમલો થયો હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે પટનાની જ ‘જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સાથે સંકળાયેલા 15 થી 20 વ્યક્તિઓએ ત્યાં આવીને અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો અને સેન્ટરની બહાર તોડફોડ મચાવી હતી. અગાઉ સોશિયલ મીડિયા પર 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના આક્ષેપો કરાયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં ફાયરિંગની કોઈ પુષ્ટિ થઈ નથી.
ઓછી ફીમાં ભણાવવાના કારણે ‘વર્ચસ્વની લડાઈ’
આ ભયાનક હુમલાની ઘટનામાં કોચિંગ સેન્ટરની સુરક્ષામાં તૈનાત એક ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર વિવાદ અંગે ખુદ ખાન(Khan Sir) સરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, “આ સમગ્ર વિવાદ બે કોચિંગ સેન્ટરો વચ્ચેના વર્ચસ્વની લડાઈનો છે. હું ખૂબ જ ઓછી ફીમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપું છું, જે નજીકના અન્ય કોચિંગ સેન્ટરોના સંચાલકોને પસંદ નથી. તેઓ ઈચ્છે છે કે હું આટલી ઓછી ફીમાં ભણાવવાનું બંધ કરી દઉં. અન્ય કોચિંગ સેન્ટરના સંચાલકોએ અગાઉ પણ અમને ડરાવવા માટે ધમકી આપી હતી અને આ હુમલો પણ અમને ડરાવવાના હેતુથી જ કરાયો છે.”
પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધીને પથ્થરમારો કરનારા ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.
