મોત/ મોરબીમાં તળાવમાં ડૂબી જતાં 3નાં મોત,ગામમાં શોકની લાગણી પ્રસરી

બે ભાણેજ સહિત મામાના પુત્રનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યુ હતુ.ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

Gujarat
lake મોરબીમાં તળાવમાં ડૂબી જતાં 3નાં મોત,ગામમાં શોકની લાગણી પ્રસરી

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજકોટમાં રહેતા બે ભાણેજ રોહિશાળા ગામમાં રહેતા મામાના ઘરે દિવાળી કરવા માટે આવ્યા હતા. આ સમયે બંને ભાણેજ તેમના મામાના દીકરા સાથે ધણચોક નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. એ સમયે કોઈ કારણોસર તેઓ તળાવમાં ગરકાવ થયા હતા. જે બાદ બે ભાણેજ સહિત મામાના પુત્રનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યુ હતુ.ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

 તળાવમાં ડૂબી જતાં ત્રણ કિશોરના મોત નિપજ્યા છે, મૃતકોમાં 18 વર્ષીય પાર્થ દેવમુરારી અને 16 વર્ષીય પાવન નિમાવત સહિત તેમના મામના પુત્ર મેહુલ નિમાવતનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ધણચોક નજીકના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. અચાનક તેઓ તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. જે બાદ ત્રણેયનાં કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગામના લોકો તરત દોડી આવ્યા હતા. બાદમાં અકસ્માતની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ અને ફાયર વિભાગ સહિત 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ તળાવ બહાર કાઢ્યા હતા. એ પછી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટના બાદ મામાના ઘરે દિવાળીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. તો ગામમાં પણ આ ઘટનાને લઈને શોક છવાયો હતો. પરિવાર પણ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો. પરિવાર સહિત આખુ ગામ હિબકે ચઢ્યુ હતુ