રાજકોટ/ કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ કેશવાલ તલકચંદ શેઠ બાળકોની હોસ્પિટલમાં આજે બપોરે બે રેસીડેન્સ ડોકટરો વચ્ચે દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે જામી પડી હતી

Gujarat Rajkot
Untitled 320 કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ

રાજકોટની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવાના મુદ્દે બે રેસીડન્સ ડોકટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વાત ઝપાઝપી સુધી પહોંચી જતાં વિવાદાસ્પદ ડોકટરે મહિલા ડોકટર પર હુમલાનો પ્રયાસ કરતા દેકારો બોલી ગયો હતો. જો કે, આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

રાજકોટની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ કેશવાલ તલકચંદ શેઠ બાળકોની હોસ્પિટલમાં આજે બપોરે બે રેસીડેન્સ ડોકટરો વચ્ચે દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે જામી પડી હતી.મળતી માહિતી મુજબ રેસીડન્સ ડોકટર કાજલબેન વઘેરાના દર્દીને અન્ય ડોકટર ધવલ બારોટના વોર્ડમાં ટ્રાન્સફર કરવા બાબતે બંન્ને તબીબો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી અને એક તબક્કે ડો.ધવલ વઘેરાએ મહિલા તબીબ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :10 વર્ષ પછી બીજી વખત આવું થયું, રાજસ્થાનના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ

જો કે હોસ્પિટલમાં હાજર નર્સીંગ સ્ટાફ અને દર્દીના સગા-વ્હાલા વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. મહિલા તબીબ પર હાથ ઉપાડવાના  પ્રયાસના કારણે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દેકારો બોલી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં મેડિકલ કોલેજના ડીન, સિવિલ હોસ્પિટલના અધિક્ષક સહિતનાઓએ શું બનાવ બન્યો તે અંગેની માહિતી મંગાવી હતી. જાણવા મળ્યા પ્રમાણે ડો.ધવલ બારોટ થોડા મહિના પહેલા પણ વિવાદમાં ફસાયા હતા. જેમાં સિનિયર ડોકટરો દ્વારા માર મારવામાં આવતો હોવાનો ડો.ધવલ બારોટે આક્ષેપ ર્ક્યો હતો.

આ ઘટનાની જાણ થતાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં.1ના ભાજપના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને મનહર બાબરીયા સહિતના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. જાણવા મળ્યા પ્રમાણે ડો.કાજલ વઘેરા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ભાણેજ થાય છે.આ લખાય છે ત્યારે હજુ સુધી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવા કોઈ આવ્યું નથી પરંતુ બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ સ્ટાફ હોસ્પિટલ પર દોડી ગયો હતો.

આ પણ વાંચો :રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી