Not Set/ ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ વિધેયક બહુમતીથી પસાર

સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું જે બહુમતીથી પસાર થયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ […]

Top Stories Gujarat
1 1 ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ વિધેયક બહુમતીથી પસાર

સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું જે બહુમતીથી પસાર થયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ છે.

વિધાનસભાના છેલ્લા દિવસે લવ જેહાદ સામે કડક કાયદો ઘડતું વિધેયક રજૂ કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ધર્માંતરણ પ્રક્રિયા માટે કરાતા ધર્મ પ્રચારને બંધારણીય માન્યતા નથી. આજનું ધર્માંતરણ એ આવતીકાલનું રાષ્ટ્રાનતરણ છે. ગૃહમંત્રી એ યંગ ઇન્ડિયામાં મહાત્મા ગાંધીએ લખેલા વાક્યોને ટાકતા કહ્યું કે, ધર્મપરિવર્તન ને નિમિત્ત બનાવી ધર્મ પ્રચાર કરનારાઓ પર મને વિશ્વાસ નથી. 1960માં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભા માં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાઈ હતી. એ માટે સરકારી અને બિનસરકારી વિધેયકો પણ લવાયા હતા. સૌરાષ્ટ્રના સાંસદ જેઠાલાલ જોશી 1954માં સૌપ્રથમ ભારતીય ધર્માંતરણ વિધેયક લાવ્યા હતા. 1960માં ઉત્તરપ્રદેશના સાંસદ પ્રકાશવીર શાસ્ત્રી એ આ બિલ રજૂ કરેલું. એ સમયે પ્રકાશવિરે દાહોદમાં 300 આદિવાસીઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવાતા થયેલા તોફાનોનો ઉલ્લેખ કર્યો હોવાનું ગૃહ મંત્રીએ જણાવ્યું હતું. એ સમયે પ્રકાશ વીરે નોંધ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાયા બાદ રાષ્ટ્રીયતા માં પણ ઉણપ આવી જાય છે. ગૃહમંત્રીએ સરદાર પટેલના પુત્રી મણીબેન ના શબ્દો ને ટાકયા હતા. મણિબહેને નોંધેલું કે ધર્મ પરિવર્તનને કારણે આઝાદીને ખતરો થઈ શકે છે. ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે મુસ્લિમો તલવારની ધાર થી ધર્મ પરિવર્તિત થયેલા છે અથવા એવા લોકો ના વંશજો છે.

આ રીતે ગૃહમંત્રીએ આઝાદીથી આજ સુધીની તવારિખ મૂકી જણાવ્યું કે કટ્ટર ધાર્મિક તત્વો સમાજની વ્યવસ્થા ના માળખા સાથે છેડછાડ કરી અવ્યવસ્થા ઉભી કરે છે. ગૃહમંત્રીએ મુસ્લિમ સમાજ માટે આલીયા, માલીયા અને જમાલ્યા શબ્દ વાપરી કહ્યું કે આવા લોકો દીકરીઓ નું શોષણ કરે છે. બાદમાં દીકરીઓ નર્ક જેવી જિંદગી જીવે છે અને અંતે દીકરીઓને આત્મહત્યા કરવાની ફરજ પડે છે. અત્યાર સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધે ભારતીય સંસ્કૃતિનું જતન કરવા અનેક લડાઇઓ લડી છે. ગૃહ મંત્રીએ તાજેતરમાં ગુજરાત સહિતના રાજયોમાં હિંદુ યુવતીઓને છેતરપિંડી કરી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ પડતી મુશ્કેલીઓના દાખલા આપી કહ્યું કે આવી ઘટનાઓ સામે સરકાર આંખ મીંચીને નહી બેસી રહે. આ વિધેયક કોઈ પોલિટિકલ એજન્ડા નથી પણ વ્યથા છે. દીકરીઓ નું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે માટે સરકાર આ વિધેયક લાવવા માંગે છે.

લવ જેહાદ બિલનો વિપક્ષે વિરોધ કર્યો હતો. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ જણાવ્યું કે, આ વિધેયક મામલે ભાજપના સભ્યો જે બોલ્યા એ ચૂંટણીના ભાષણની તૈયારી વિધાનસભાના ફ્લોર પર કરવાની હોય તેમ લાગી રહ્યું છે. આ વિધેયકમાં ક્યાંય ‘લવ જેહાદ’ શબ્દ કે પછી ‘હિન્દુ-મુસ્લિમ’ શબ્દ વપરાયો નથી. સરકાર પ્રજાને બેવકૂફ બનાવી રહી છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક વર્ષ 2003માં પણ ભાજપ સરકાર લાવી હતી અને હવે 18 વર્ષ પછી ફરી આ બિલ રજૂ કરવાનો અર્થ આ બીલની નિરર્થકતા સૂચવે છે. આઈપીસીની કલમોમાં આ તમામ ગુના સંદર્ભે જોગવાઈઓ હોવા છતાં આ પ્રકારનું બિલ લાવવાનો કોઈ મતલબ નથી. દેશ આઝાદ થયો ત્યારે આંતરજ્ઞાતિ લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એકટ લાગુ કરાયો છે. દેશની વિવિધતા ને જ્યા સુધી નહિ સ્વીકારીએ ત્યાં સુધી દેશ આગળ નહિ વધી શકે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે દેશમાં એકટની નહિ, એકશનની જરૂર છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બિલનો વિરોધ કરતા જણાવ્યું કે, ગૃહમંત્રી એ બિલ રજૂ કરતી વેળા સતત લઘુમતી સમાજ વિશે અણછાજતા શબ્દો વાપર્યા છે. ખેડાવાલાએ બિલનો વિરોધ કરી ગૃહમાં જ બીલની કોપી ફાળી નાખતા ગૃહમંત્રી એ આ મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી ખેડાવાલા સામે પગલા લેવા અધ્યક્ષ સમક્ષ માગણી કરી હતી. અધ્યક્ષે રૂલિંગ આપતા જણાવ્યું કે, ખેડાવાલા નું કૃત્ય ગૃહની અવમાનના સમાન હોવાથી તેમણે ગૃહમાં દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. બાદમાં ખેડાવાલા એ ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી હતી.
ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેમના વિચાર વ્યક્ત કરી બિલને સમર્થન આપ્યું હતું. વિપક્ષના વિરોધી વચ્ચે ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક’ સર્વાનુમતે પસાર કરાયું હતું.