Ahmedabad News : રાજ્યમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં અસામાજિક તત્ત્વો નકલી પત્રકાર, રાજકીય કાર્યકર કે નકલી આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ બનીને લાખો રૂપિયાની ખંડણીની માગ કરે છે અને ધમકી આપે છે. તેવી જ ઘટના અમદાવાદ શહેરમાંથા સામે આવી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોનો ઉપદ્રવ વધી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 7612 લોકોની યાદી તૈયાર કરવામાં આવી હોવા છતાં, શહેરમાં ખંડણીખોરો બેફામ બન્યા છે. તાજેતરમાં બાપુનગરમાં એક વેપારી પોતાની દુકાનનું નવીનીકરણ કરાવી રહ્યા હતા, ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વોએ તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી અને કામ અટકાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ આ ઘટના અંગે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “શહેરમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ જ્યારે પોતાની જૂની દુકાનોનું નવીનીકરણ કરાવતા હોય છે, ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો નકલી પત્રકાર, રાજકીય કાર્યકર અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગે છે અને ધમકીઓ આપે છે. આનાથી વેપારીઓ ખૂબ જ પરેશાન છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો નવીનીકરણમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નોટિસ આપીને કાર્યવાહી કરી શકે છે. પરંતુ આ ખંડણીખોરો કયા આધારે લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા છે? તેમણે માંગણી કરી હતી કે ખંડણી માંગનારા અસામાજિક તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમની ગેરકાયદેસર મિલકતો અને બાંધકામો તાત્કાલિક તોડી પાડવા જોઈએ, જેથી સમાજમાં એક દાખલો બેસે.
વેપારી એસોસિએશનના પ્રમુખે પોલીસ કમિશનરને અપીલ કરી છે કે શહેરના વેપારીઓને ખંડણીખોરોના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તેમણે ખંડણીખોરો સામે તડીપાર, પાસા અને ગુજકોટ જેવી કલમોનો ઉપયોગ કરવાની પણ માંગ કરી છે, જેથી આવા તત્ત્વોને કાયદાનું ભાન થાય અને વેપારીઓ શાંતિથી પોતાનો ધંધો કરી શકે.
આ ઘટનાથી અમદાવાદના અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ છે અને તેઓ પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. જો પોલીસ આ મામલે સત્વરે પગલાં નહીં લે તો વેપારીઓ આંદોલન કરવા માટે પણ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત
