Ghandinagar news ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલ પરમાને ઝડપ્યો
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યું હતું. જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.
