અમદાવાદ/ BAOUનો સાતમો પદવીદાન સમારંભ 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે

રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાનારા BAOUના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અતિથિવિશેષ તરીકે રાજ્યના શિક્ષણમંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે

Ahmedabad Gujarat
પદવીદાન

ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એક માત્ર ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદનો સાતમો પદવીદાન સમારંભ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 9:30 કલાકે યોજવાનો છે.

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત આ પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા ગુજરાતના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રીશ્રી (રાજ્યકક્ષા) ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ સાતમા પદવીદાન સમારંભમાં 20 પીએચડી, 3172 અનુસ્નાતક, 6789 સ્નાતક, 181 અનુસ્તાનક ડિપ્લોમા, 5299ને ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ કુલ 15,461 ડિગ્રીઓ રાજ્યભરના વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 35 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ જ્યારે 35 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે.

પદવીદાન સમારંભની સાથે સાથે યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં નવનિર્મિત ‘અગસ્ત્ય અતિથિ નિવાસ’ તથા ‘મૈત્રેયી મૂલ્યાંકન ભવન’નું ઉદઘાટન માનવંતા મહેમાનોના કરકરમળોથી કરવામાં આવશે.

કાર્યક્રમનો પ્રારંભ આદરણીય રાજ્યપાલશ્રી તથા માનનીય અતિથિઓના આવકાર-સત્કારથી શરૂ થશે, પછી યુનિવર્સિટી ગીત ગાવામાં આવશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિશ્રી દ્વારા સ્વાગત પ્રવચનની સાથે યુનિવર્સિટીની ગતિવિધિઓનો અહેવાલ રજૂ કરવામાં આવશે. મુખ્ય અતિથિશ્રી તેમજ અતિથિવિશેષશ્રીઓના પ્રવચન પછી માનનીય રાજ્યપાલશ્રી તથા યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી અધ્યક્ષીય ઉદબોધન આપશે. આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે પદવીદાન સમારંભનું સમાપન કરાશે.

પદવીદાન સમારંભ પછી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત નાટક ‘માનવથી મહામાનવ’નું મંચન થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના જીવન-કવન પર આધારિત આ નાટકનું દિગ્દર્શન બિમલ પરમારે કરેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના એક્ટ નં. 14 દ્વારા ઈ.સ. 1994માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટી રાજ્યભરના તમામ વયજૂથના અભ્યાસુઓને 65થી વધારે અભ્યાસક્રમોમાં ઉચ્ચ અભ્યાસની તક પૂરી પાડે છે, જેમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્તાનકથી લઈને પીએચડી જેવા સંશોધનકેન્દ્રી અભ્યાસક્રમો પણ સામેલ છે. BAOU યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરો (DEB) દ્વારા માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી છે. છ પ્રાદેશિક કેન્દ્રો અને 268 અભ્યાસકેન્દ્રો થકી આ યુનિવર્સિટી અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવા પ્રયાસરત છે. દર વર્ષે આ યુનિવર્સિટીમાં 70,000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે,કોંગ્રેસ ચિંતન શિબિરમાં 11 મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો :સાવધાન! અમદાવાદ નજીક જોવા મળેલા સિંહે યુવક પર કર્યું હુમલો

આ પણ વાંચો : ગોધરાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, પરિવારજનોએ પરત લાવવા સરકારને કરી અપીલ

આ પણ વાંચો :ઊના શહેર અર્બન હેલ્થ અંતર્ગત ચાલતા કેમ્પમાં કોરોના વેક્સીન લીધા વગર ડોઝ અપાયાના નિકળી રહ્યા છે ખોટા સર્ટી