@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
દિયોદર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક જીવનમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોઇ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પંથકની પરીણિત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છુટ્ટાછેડાંનો લેખ બનાવ્યો હતો. જે બાદમાં નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદમાં સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીને થતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેમાં ફરીયાદી યુવકે પત્નિ અને તેની સાથે લગ્ન કરનાર ઇસમ, નોટરી અને સાક્ષી સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના યુવક સાથે ચોંકાવનારી ઘટના બની છે. ફોરણાના વિક્રમભાઇ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ ચૌધરીની દીકરી મોઘીબેન સાથે થયા હતા. જે બાદમાં ગત તા. ૨૧/૧૨/૨૦૨૦ ના રોજ તેમની પત્નિ મોઘીબેન પોતાના પિયરે ગઇ હતી. આ તરફ બીજા દિવસે વિક્રમભાઇ દિયોદર આવતાં તેમની પત્નિને જોતાં તું ક્યારે ઘરે આવે છે તેવુ પુછ્યુ હતુ. જોકે તેમની પત્નિએ કહેલ કે, મારા તારી સાથે છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી. આ સાથે મારા લગ્ન દિયોદરના ચૌધરી ભરતભાઇ સાથે થયેલા છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પત્નિએ આવું કહેતાં વિક્રમભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેથી તપાસ કરતાં તેમની પત્નિને તેમની ગેરહાજરીમાં બધા ડોક્યુમેન્ટ મેળવી છુટ્ટાછેડાંનો લેખ કરાવી નોટરી કરાવી હતી. જોકે નોટરી કરતી વખતે પણ તેઓ હાજર ન હોવા છતાં એડવોકેટે નોટરી કરી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ભાભરના ઢેકવાડીના પ્રતાપજી ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોઇ તમામ સાથે વિક્રમભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં ખોટાં સ્ટેમ્પ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાથી પોલીસે તમામ સામે આઇપીસી કલમ ૪૬૫,૪૬૭ ,૪૬૮, ૪૭૧, ૪૯૪,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
