શ્રાવણ/ મહાદેવના ત્રણ નેત્ર સમાન છે બિલીપત્રના ત્રણ પર્ણ

એક હજાર નીલકમળ ચડાવવાથી મહાદેવને જેટલી ખુશી થશે એટલી જ ખુશી મહાદેવને બીલીપત્ર ચડાવવાથી મળશે

Dharma & Bhakti Uncategorized
mahadev234 મહાદેવના ત્રણ નેત્ર સમાન છે બિલીપત્રના ત્રણ પર્ણ

પવિત્ર શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે  મહાદેવ પોતાના શિર પર ચંદ્રમા ધારણ કર્યો છે અને એટલે મહાદેવને શશિશેખર કહેવાયા. ચંદ્રમા પરના વિશેષ સ્નેહને કારણે શિવને ચંદ્રવાર એટલે કે સોમવાર વધારે પ્રિય છે. મહાદેવને દરેક સોમવાર પ્રિય છે પણ શ્રાવણના સોમવારની વાત જરા જુદી છે.શ્રાવણ માસમાં જળ તત્ત્વ વધારે છે અને ચંદ્રમા જળ તત્ત્વ જ છે. સ્વાભાવિક રીતે મહાદેવને એ કારણે શ્રાવણ અને શ્રાવણના સોમવાર વધારે પ્રિય બન્યા છે.

શાસ્ત્રોમાં એક કથા એવી પણ છે કે સમુદ્રમંથનમાંથી નીકળેલું હળાહળ વિષ ગ્રહણ કર્યા પછી મહાદેવ મૂર્ચ્છિત થઈ ગયા એ સમયે સ્વર્ગલોકનાં તમામ દેવીદેવતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયાં. વિષ્ણુએ મૂંઝવણનો રસ્તો કાઢીને મહાદેવને અભિષેક કરવાનું સૂચન કર્યું એટલે સૌકોઈએ તેમના હાથમાં જે દ્રવ્ય આવ્યું એ દ્રવ્યથી મહાદેવને અભિષેક કરવાનું શરૂ કર્યું. અભિષેક માટે સૌકોઈ પોતપોતાના દ્રવ્યનો ઉપયોગ કરતા પણ એ દ્રવ્ય ખાલી થતાં ફરીથી વાસણ ભરવા જવું પડતું. આ જોઈને ઇન્દ્રદેવે વરસાદ શરૂ કર્યો અને આમ શ્રાવણ મહિનાનું મહત્ત્વ મહાદેવ સાથે સીધું જોડાયું.

મહાદેવને ચડતાં બીલીપત્ર સાથે પણ ચંદ્ર અને જળ તત્ત્વને સીધો સંબંધ છે. બીલીના મૂળમાં સવિશેષ રીતે પાણીનો સંગ્રહ થાય છે અને શિવજીને જળ તત્ત્વ સાથે સીધો સંબંધ છે. એક કથા અનુસાર મહાદેવને પ્રસન્ન કરવા માટે એકત્રિત થયેલા ઋષિમુનિઓએ વર્ષો સુધી મહાદેવની અથાગ તપશ્ચર્યા કરી પણ પરિણામ શૂન્ય. અંતે એ ૮૯ હજાર ઋષિઓ બ્રહ્મા પાસે ગયા અને મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું એ માહિતી આપી છે.

બ્રહ્માએ કહ્યું કે સો કમળ ચડાવવાથી મહાદેવ જેટલા પ્રસન્ન થાય છે એટલી જ પ્રસન્નતા તેમને એક નીલકમળ ચડાવવાથી મળશે તો એક હજાર નીલકમળ ચડાવવાથી મહાદેવને જેટલી ખુશી થશે એટલી જ ખુશી મહાદેવને બીલીપત્ર ચડાવવાથી મળશે. બ્રહ્માએ એ સમયે બીલીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે એ શ્રીવૃક્ષ છે, એના થકી થયેલી આરાધના મહાદેવને સીધી સ્વીકાર્ય છે. બિલ્વની ઉત્પત્તિ માટે પણ અનેક કથા છે, જે કથા પૈકીની એક કથા મુજબ દેવી ગિરિજા વિહાર માટે નીકળ્યાં ત્યારે તેમના મસ્તક પર બાઝેલું એક પ્રસ્વેદ બિંદુ જમીન પર પડ્યું અને એ પ્રસ્વેદ બિંદુમાંથી બીલીના ઝાડનું સર્જન થયું. બીલીપત્રમાં ત્રણ પર્ણ આવે છે. આ ત્રણ પર્ણને શિવનાં ત્રણ નેત્ર સાથે સરખાવવામાં આવ્યાં છે જે સૂર્ય, ચંદ્ર અને અગ્નિનાં પ્રતીક છે. બીલી એકમાત્ર એવું વૃક્ષ છે જેના પર કળી કે ફૂલ નથી આવતાં પણ સીધાં ફળ આવે છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે બીલીપત્ર જે મસ્તક પર ધારણ કરે તેને યમનો ભય રહેતો નથી. આ જ કારણોસર ખરાબ સપનાંઓની પરેશાની ભોગવતી વ્યક્તિના તકિયા નીચે મહાદેવને ચડાવવામાં આવેલાં બીલીપત્ર મૂકવાથી મનમાં રહેલો ડર દૂર થતો હોવાનું પણ કહેવાય છે. બીલીના પર્ણની કિનારી પર કરકરિયાં હોય છે, જે ૧૦૮ હોય છે. એની સરખામણી ૧૦૮ વખત ઓમ નમઃ શિવાયના જાપ સાથે કરવામાં આવે છે. કોઈ પણ ફૂલ કે પર્ણને સૂર્યાસ્ત પછી વાસી ગણવામાં આવે છે પણ બીલીપત્ર એકમાત્ર એવાં પર્ણ છે જેને છ મહિના સુધી વાસી ગણવામાં આવતાં નથી. જે જગ્યાએ બીલીપત્ર ઓછાં હોય ત્યાં એક વખત શિવલિંગ પર ચડાવવામાં આવેલાં બીલીપત્રને ધોઈને બીજી વખત ફરીથી મહાદેવને ચડાવવાની આજ્ઞા શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે.
બિલ્વનું શાસ્ત્રોક્ત મહત્ત્વ જેટલું છે એટલું જ એનું આયુર્વેદમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે