રાજય માં કોરોના કેસ ઘટતા હવે સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે . જે અંતર્ગત રાજય માં સોમવારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થશે. સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે. ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાડા ચારથી સાંજના 7 વાગ્યા સુધી મંદિર મંગળ થશે. સાંજે 7થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
લોકો ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે સાડા સાતથી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની ગાઈડલાઈનનું પાલન શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. તેમજ દર્શન કરવા આવતા તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી ત્રિશુળીયા ઘાટ ઉપરના વ્યું પોઇન્ટનું લોકાર્પણ કરશે.અંબાજી ડી. કે. ત્રિવેદી સર્કલ ખાતે દાંતા – અંબાજી ચારમાર્ગીય રસ્તાનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરશે.
