સુરેન્દ્રનગર/ ચુડાના નવી મોરવાડ ગામે રેશનિંગની દુકાનમાં ઘંઉ, ચોખા અને કેરોસીનની ચોરી

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે સસ્તા અનાજની દુકાનમાં ઘંઉ અને ચોખાના કટ્ટા અને કેરોસીનની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે, રેશનિંગની દુકાન ધરાવતા વેપારીએ પોલીસ મથકે અજાણ્યા ચોર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Gujarat
6 15 ચુડાના નવી મોરવાડ ગામે રેશનિંગની દુકાનમાં ઘંઉ, ચોખા અને કેરોસીનની ચોરી

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે સસ્તા અનાજની દુકાનમાં ઘંઉ અને ચોખાના કટ્ટા અને કેરોસીનની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. રેશનિંગની દુકાન ધરાવતા વેપારીએ પોલીસ મથકે અજાણ્યા ચોર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાથે ચોર ટોળકી વિશે ગામનો વ્યક્તિ જાણતો હોવા છતાં તેમનું નામ નહીં આપતો હોવાની રાવ કરી છે.

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે રહેતા અને 27 વર્ષથી સસ્તા અનાજની દુકાન ધરાવતા સુરેશભાઈ માધવલાલ દવે તા.31 ડિસેમ્બર-21ના રોજ પરિવાર સાથે ગામતરે ગયા હતા. તા.1 જાન્યુઆરીએ તેઓ ઘરે પરત ફર્યાં ત્યારે તેમની નજર સસ્તા અનાજની દુકાનમાં રાખેલા ઘંઉ અને ચોખાના જથ્થા ઉપર પડી હતી.

ઘંઉ અને ચોખાના કટ્ટા ઓછા હોવાનું લાગતાં જ તેમણે સ્ટોક ચેક કર્યો હતો. સ્ટોક ચેક કરતા 50 કિલો વજન ધરાવતા 3 કટ્ટા ચોખા, 50 કિલો વજન ધરાવતા 7 કટ્ટા ઘંઉ અને કેરબામાં રાખેલ 8 લીટર કેરોસીનની ગુમ થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા ધર્મેન્દ્ર છેલાભાઈ ગોવિંદીયાને ઘંઉ, ચોખા અને કેરોસીન ગુમ થયા અંગે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મને ખબર નથી કે આ સ્ટોક કોણ લઈ ગયું છે. પરંતુ આપણા ગામના હર્ષદ ધીરૂભાઈ કારોલીયાને આ અંગે ખબર છે કે ઘંઉ, ચોખા, કેરોસીન કોણ લઈ ગયું છે. સુરેશભાઈ દવેએ હર્ષદ કારોલીયાને રેશનિંગનો જથ્થો કોણ લઈ ગયું એના વિશે અનેકવાર પુછ્યું પરંતુ તેઓએ ચોર ટોળકીનું નામ-ઠામ આપ્યું નહોતું. વ્યાજબી ભાવની દુકાન ધરાવતા સુરેશભાઈ દવેએ આ અંગે મામલતદારને જાણ કરી ઘંઉ, ચોખા અને કેરોસીનની ચોરી કરનાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.