ત્રાસ/ AMCમાં જ કોઈ છૂપો મોબાઈલ હેકર્સ લાગે છે!

@પ્રફુલ ત્રિવેદી

કમિશનર લોચન સહેરાનો ડીપી ક્રિએટ કરી તેમનું વોટ્સએપ પણ બનાવી કાઢ્યું, પરંતુ આ અસામાજિકતત્વએ એક લોચો પણ માર્યો હતો. લોચનનો સ્પેલિંગ લીચન કરતાં ઘણાને ખબર પડી ગઈ હતી કે આ કોઈ ગઠીયાનું જ કામ છે.

Mantavya Exclusive
હેકર્સ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ આઈડી હેકર્સ દ્વારા  હેક થવાની કે અજાણ્યા નંબરથી હોદ્દેદારોના ડીપી સાથે નાણાંની માંગણી કરવાનો કે અભદ્ર સંદેશા વહેતા કરવાની ઘટનાઓ વધતી જાય છે. મ્યુનિ.ના સર્વોચ્ચ સ્થાને બેઠેલા મેયર અને કમિશનરનાં ફોન સાથે 4 દિવસના અંતરે જ આવા ગંભીર ચેડાં થતાં લાગે છે કે AMCમાં બેઠેલી કે AMC સાથે સંબંધ ધરાવતી ટેકનોલોજીની જાણકાર વ્યક્તિ (હેકર્સ) નું જ આ કુકૃત્ય હોઈ શકે છે. IAS અધિકારીના ડીપી સાથે આવી ચેષ્ટા કરનારની હિંમત જોતા કોઈ વિચિત્ર વ્યક્તિ પણ હોઈ શકે છે.

તા.24મીએ અત્યંત સરળ વ્યક્તિત્વ ધરાવતા મેયર કિરીટ પરમારના નામે આવા સંદેશ વહેતા થયા હતા. 4 જ દિવસ બાદ તા. 28મીએ કમિશનર લોચન સહેરાના ડીપી સાથે અજાણ્યા નંબરથી અભદ્ર સંદેશ તેમજ નાણાંની માગણી કરતા સંદેશા વહેતા થતાં મ્યુનિ.નાં પબ્લીસિટી વિભાગે સ્પષ્ટતા કરી હતી. આ અંગે ફરિયાદ પણ કરાઈ છે. કમિશનર તો હાલ વિદેશ પ્રવાસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ડેપ્યુટી કમિશનર કેપ્ટન મહારાજનું ઈ-મેઈલ આઈડી હેક થયું હતું અને નાણાની માંગણી કરતાં સંદેશા વહેતા થયા હતા. કેપ્ટને તાકીદે પગલાં લઈ તેમનું આઈડી બંધ કરાવી દીધું હતું. તે પછી કોર્પોરેટર સ્વ.લિયાકતભાઈનો ફોન હેક કરી કોઈએ બીભસ્ત ફોટા વહેતા કરતાં રાત્રે 1 વાગ્યે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી હતી.

ઉપરાંત અગાઉ કમિશનરના વોટ્સએપ ગ્રુપમાં હાલના એક આસી.કમિશનરે બિભત્સ વિડીયો મૂકી દેતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ કેટલાંક મહિલા સભ્યો ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. એ સમયે તો કમિશનર પણ મહિલા જ હતા! બાદમાં આવું જ પરાક્રમ હેલ્થ ખાતાના એક અધિકારીએ કરી નાખ્યું હતું. બાદમાં કોઈએ ધ્યાન દોરતા ફટાફટ 10 જેટલા બિભત્સ વિડીયો ડિલીટ કરી નાખ્યાં હતા. આ બાબતો પણ મીડિયામાં ચગી હતી.

મ્યુનિ. આધિકારીઓ-એન્જિનિયરોનાં મોંઘા ફોનમાં ચોક્કસ જોગવાઈ હોવાથી તે ઝડપી હેક થઇ શકતા નથી કે સામેની વ્યક્તિ ફોનકોલ રેકર્ડ પણ કરી શકતી નથી. તેઓ ખાસ તકેદારી રાખતા હોય છે. આમ છતાં આવી ઘટનાઓ વધતાં લાંચ લેવા ટેવાઈ ગયેલાં અધિકારીઓ અને એન્જિનિયરોએ આ અંગે ફોન પર વાત કરવાનું જ બંધ કરી દીધું છે. બહુ ઉતાવળ હોય તો વોટ્સએપ કોલથી વાત કરે છે. ક્યારેક કોડવર્ડથી વાત કરે છે. કેરીની બે પેટી મળી ગઈ છે. ક્વોલિટી બરાબર છે- તેનો અર્થ એ થાય કે બે પેટી-બે લાખ રૂપિયા મળી ગયા છે. ક્વોલિટી બરાબર છે એટલે રકમ વ્યાજબી છે.

ચાલાકી કરનારે લોચો પણ માર્યો !

કમિશનર લોચન સહેરાનો ડીપી ક્રિએટ કરી તેમનું વોટ્સએપ પણ બનાવી કાઢ્યું, પરંતુ આ અસામાજિકતત્વએ એક લોચો પણ માર્યો હતો. લોચનનો સ્પેલિંગ લીચન કરતાં ઘણાને ખબર પડી ગઈ હતી કે આ કોઈ ગઠીયાનું જ કામ છે. બાદમાં અભદ્ર મેસેજ વહેતા થતાં તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ મેસેજનો જવાબ ના આપવો કે ના નાણાંકીય વ્યવહાર કરવો!

123

આ પણ વાંચો :  સેવી-ગોદરેજ ટાઉનશીપના રહીશો હવે મેદાનમાં આવશે