નવી દિલ્હી: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ ચેતવાનો સમય આવી ગયો છે. અમેરિકા તેમના માટે હોટફેવરિટ દેશ ભલે હોય પરંતુ અમેરિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના લગભગ 48 વિદ્યાર્થીઓને કોઈ કારણ બતાવ્યા વગર પરત મોકલ્યા છે.
શુક્રવારે સંસદમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા પ્રથમ પસંદગી છે. અમેરિકામાં અભ્યાસ કરવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ અન્ય દેશો કરતાં ઘણી વધારે છે. અમેરિકાના એજ્યુકેશન માર્કેટમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘણો નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે.
શુક્રવારે લોકસભામાં બીકે પાર્થશાસ્ત્રી દ્વારા વિદેશ મંત્રાલયને છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા તે અંગેના કારણો સમજાવવા માટે પ્રશ્ન કર્યો ત્યારે આ મુદ્દો સામે આવ્યો હતો. આ ઉપરાંત તેમણે સરકાર પાસે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને અમેરિકામાં રહેલા ઈલીગલ માઈગ્રન્ટ્સ અંગે કોઈ ડેટા છે અને જો છે તો તેમણે આ સંદર્ભે ઉપાય માટેના શું પગલા લીધા છે તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.
લોકસભામાં સત્ર દરમિયાન હાજર રહેલા કિર્તી વર્ધન સિંહે જવાબ આપ્યો હતો કે, છેલ્લા 3 વર્ષમાં 48 કેસ એવા છે કે જેમાં ભારતીય નાગરિકતા ધરાવતા વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા પરંતુ યુએસ ઓથોરિટીએ સત્તાવાર રીતે ભારત સરકારને તે અંગે કોઈ કારણો આપ્યા નથી. જોકે, તેમણે ભારતીય વિદ્યાર્થીઓના ડિપોર્ટેશનના સંભવિત કારણો સમજાવ્યા હતા.
અનઓથોરાઈડ્ઝ એમ્પ્લોયમેન્ટ, અનઅપ્રુવ્ડ વિડ્રોઅલ ફ્રોમ ક્લાસીસ, હકાલપટ્ટી અને સસ્પેન્શન તથા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) એમ્પ્લોયમેન્ટ્સની જાણ કરવામાં નિષ્ફળતા જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણો વિદ્યાર્થીઓના વિઝાને ટર્મિનેટ કરી શકે છે અને તેના કારણે અમેરિકામાં તેમના રોકાણને ગેરકાયદેસર બનાવે છે.
ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હોય તેવી સમસ્યા ફક્ત અમેરિકા પૂરતી મર્યાદિત નથી પરંતુ કેનેડામાં પણ આવું થઈ રહ્યું છે. કેનેડામાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓમાં બનાવટી એડમિશન લેટર્સ ભારતીય વિદ્યાર્થીઓના ડિપોર્ટેશન પાછળનું એક મુખ્ય કારણ હતું.
બીજી તરફ તાજેતરમાં વિદેશ મંત્રાલયે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો આંકડો પણ જણાવ્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 દેશોમાં કુલ મળીને 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ 172 વિદ્યાર્થીઓ કેનેડામાં મોતને ભેટ્યા છે. જ્યારે અમેરિકામાં 108 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ મોત વિવિધ કારણોસર થયા છે જેમાં કુદરતી રીતે, અકસ્માત અને મેડિકલ ઈમર્જન્સી જેવા કારણો જવાબદાર રહ્યા હતા.
આ પણ વાંચો: ‘ચીન સાથે અમારા સંબંધો બહુ સારા નથી’, વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ કહ્યું આવું?
આ પણ વાંચો: એલોન મસ્ક પર ડોક્ટર કમલા હેરિસના વીડિયો પર ‘જૂઠાણું’ ફેલાવવાનો આરોપ છે
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 36ના મોત અને 162 લોકો ઘાયલ, સુરક્ષાદળો તૈનાત
