તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘરે હોય છે. પણ ઘણી વખત એવું થાય છે કે તેમાં પાંદડા ઓછા આવે છે અથવા નાના નાના આવે છે અને ઓછા પ્રમાણમાં આવે છે. પણ જો તેની યોગ્ય જાળવણી રાખવામાં આવે તો તે લીલોછમ અને પાંદડાથી ભરાયેલો રહી શકે છે. તુલસી જે આપણી ઇમ્યુનીટી વધારે છે તે દરેક ઋતુમાં સદાબહાર બની રહે તેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શિયાળામાં તુલસીની વધારે જાળવણી
તુલસી પર ઉપરની તરફ જે બીજ લાગેલા હોય છે તેને કાપવા જોઈએ. પણ તેનું એક પ્રમાણ છે. તમારે રોજ તુલસીના છોડ પર લાગેલા કુલ બીજના 10 ટકા કાપીને અલગ કરી દેવા જોઈએ. એક જ દિવસમાં બધા બીજ નથી કાપવાના. શિયાળામાં તુલસીની વધારે જાળવણી રાખવાની જરૂર હોય છે. તુલસીના બીજ 10-10 ટકા કાપતી વખતે તેને 10-12 દિવસનો સમય આપો અને અંતમાં તેના પર થોડા બીજ રહેવા દો. તેના બધા બીજ દૂર નથી કરવાના. 10-12 દિવસમાં ફરીથી બીજ ઉગવા લાગશે. તુલસીના તે બીજ વાળા ભાગનો ઉપયોગ તમે તમારી ઇમ્યુનીટી વધારવા માટે કરી શકો છો. તમે તેનો ઉપયોગ ચા માં કરી શકો છો.
તુલસીને કાપવાનું કારણ
આ છોડ પોતાની બધી શક્તિ અને ઉર્જા તે બીજ વાળા ભાગમાં સ્ટોર કરે છે. જેથી તેના પાંદડા નાના રહેવા લાગે છે. તુલસીના બીજ કાપ્યા પછી તમે થોડી હળદર લો, થોડો ખાવાનો ચૂનો લો અને થોડી કાચા કોલસાની રાખ લો. તમે લાકડાના કોલસાની રાખ પણ લઇ શકો છો. કોલસા અને ચુનાને તમારે ઝીણો પીસી લેવાનો છે. આ ત્રણેય વસ્તુઓને એક સાથે ભેગી નથી કરવાની પણ અલગ અલગ નાખવાની છે. તેના પ્રમાણની વાત કરીએ તો જો 12 ઇંચનો છોડ છે તો બધી વસ્તુ 5-5 ગ્રામના પ્રમાણમાં લઇ લો. ત્રણેયને વારાફરતી નાખવાના છે. તમે એક દિવસ હળદર નાખો તો એક – બે દિવસના અંતરાળ પછી કોલસો નાખવાનો છે. તેને કુંડામાં નાખીને થોડું થોડું પાણી આપતા રહો. તેનાથી તે કોઈ પણ વાતાવરણમાં સારી હાલતમાં રહેશે. તમે હળદરને છોડ પર છાંટી પણ શકો છો. પાણીમાં હળદર નાખીને તુલસી પર સ્પ્રે કરવા પર તેનું રિઝલ્ટ ઝડપી મળશે. અથવા તમે માટીમાં નાખો છો તો ભેજ જાળવી રાખવો જોઈએ.
જીવાત આ રીત કરો દૂર
તુલસીના છોડ પર નાની-નાની કાળા રંગની જીવાત લાગે છે. તેનું કારણ એ હોય છે કે તમે સમય રહેતા તેનું પ્રિવેન્શન નથી કર્યું. સમયે સમયે તેની જાળવણી કરવી જરૂરી છે. તમે દર અઠવાડિયે થોડું પ્રિવેન્શન કરશો, તેના પર હળદર વગેરે નાખશો તો તે સ્વસ્થ રહેશે અને તેના પર જીવાત નહિ લાગે.
ત્રણેય વસ્તુને એકસાથે નાખશો નહી..
ચૂનો પણ વધુમાં વધુ 5 ગ્રામના પ્રમાણમાં માટીમાં નાખી શકો છો. અથવા 1 લીટર પાણીમાં વધુમાં વધુ 5 ગ્રામ ચૂનો નાખીને સ્પ્રે કરી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રહે કે ત્રણેયને એક સાથે નથી નાખવાના. એક અથવા બે દિવસનો ગેપ રાખવાનો છે. 15 થી 20 દિવસ પછી તમે આ પ્રક્રિયાને રિપીટ કરી શકો છો.