મજાની મળી સજા/ સુરતની તાપી નદીમાં ત્રણ બાળકોના ડુબવાથી મોત : રોજ નદીમાં રમતા બાળકો આ રીતે ડૂબ્યા પાણીમાં

આ બાળકો નિયમિતપણે તાપી ના પટ પર રમતા હતા પરંતુ શુક્રવારે બપોરે અચાનક જ નદી માં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા.

Top Stories Gujarat Surat
તાપી

તાપી નદીના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં પતે ઉપર રમી રહેલા ત્રણ બાળકો નદીમાં ડૂબ્યા છે. શુક્રવારે 2 બાળકો અને 1 કિશોરી તાપી નદી કિનારે રમી રહ્યા હતા અને નદીમાં ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા. તાપી નાં પાણીમાં ફસાયેલા બાળકોમાંથી 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે ત્રીજી બાળકીની શોધખોળ ચાલુ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવને પગલે રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ અને 14 વર્ષની સાનિયા ફારૂક શેખ બપોરે 3 વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

સ્થાનિકો પાસેથી મળતી વિગત અનુસાર આ બાળકો નિયમિતપણે તાપીના પટ પર રમતા હતા પરંતુ શુક્રવારે બપોરે અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. ત્યારે મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ પહોંચી શોધખોળને અંતે મહંમદ કરમઅલી અને શહાદત શાહના જ મૃતદેહ મળ્યા હતા પણ સાનિયાનો મોડી સાંજ સુધી પતો મળ્યો ન હતો. પોલીસે આ બાબતે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ચૂંટણીની ગાડી બહું વહેલી પાંચમાં ગેરમાં દોડવા લાગી !