Kutch News: કચ્છમાં અરબી સમુદ્રના કિનારે એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કિનારે ત્રણ કન્ટેનર ટેન્કર મળી આવ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારમાં દરિયાની ઓફ-સીઝન દરમિયાન ડ્રગ્સના પેકેટ ત્યજી દેવાયેલા હાલતમાં મળી આવ્યા છે, પરંતુ હવે કન્ટેનર ટેન્કર મળવાની ઘટનાઓએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે.
કચ્છમાં સાતમ તારીખે, દરિયાકાંઠાના વિસ્તારમાં સૈયદ સુલેમાન પીર અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક પેટ્રોલિંગ દરમિયાન જખૌ મરીન પોલીસને ત્યજી દેવાયેલી હાલતમાં જોવા મળી હતી. આ ટેન્કો પાણીમાં અડધા ડૂબી ગયા હતા. આજે કોઠારા પોલીસે સુથારી નજીક દરિયાના પાણીમાં આવી ત્રીજી ટેન્ક જોઈ છે.
આ ઘટના બાદ, પોલીસ, GRD અને SRD વિભાગના કર્મચારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. સુથારી નજીક દરિયામાં મળેલી ભારે ટેન્ક અડધી ડૂબી ગઈ હતી. પોલીસ અને અન્ય વિભાગોના કર્મચારીઓ ટેન્કને કિનારે લાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં પ્રાથમિક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ગુરુવારે મળેલા કન્ટેનર ટેન્કનું નિરીક્ષણ કરવા માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આવી રહ્યા છે. અનુમાન મુજબ, આ કન્ટેનર કોઈ જહાજમાંથી પડી ગયા હશે અથવા કોઈ જહાજ તૂટીને ભરતી સાથે કિનારા પર ખેંચાઈ ગયું હશે. અચાનક, કિનારા નજીક દરિયાના પાણીમાં ટાંકી તરતી દેખાતા લોકોમાં ચર્ચા જગાવી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છનો દરિયાકિનારો આમ પણ માદક પદાર્થોના દાણચોરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. તેથી હવે શું માદક પદાર્થો કે નશીલા પદાર્થોની દાણચોરી ટેન્કરોમાં થઈ રહી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ ટેન્કરો મળતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે. જો કે આ ટેન્કરો કોઈ જહાજના લાગતા હોઈ તેની તપાસ માટે કસ્ટમ્સની મદદ પણ લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આગામી દિવસોમાં ટેન્કરોને લઈને ઘેરાયેલું રહસ્ય ઉકેલાય તેમ મનાય છે.
આ પણ વાંચો: Kutch News/ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે
આ પણ વાંચો: કચ્છમાં રક્ષાબંધનની ઉજવણી, સાંસદ વિનોદ ચાવડા તેમજ મહિલા પોલીસની ભાવનાત્મક પહેલ
આ પણ વાંચો: કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ
