Bharuch News : ભરૂચ (Bharuch)જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા ‘ડી’ સ્ટાફની ચેમ્બરમાં ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોએ મંગળવારે સફળ ટ્રેપ ગોઠવી ત્રણ પોલીસકર્મીઓને રૂ.1 લાખની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ACBએ લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે કરી છે.
એસીબીએની માહિતી મુજબ, ફરિયાદી સામે અગાઉ પાનોલી પોલીસ સ્ટેશન (Panoli Police Station)માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેમને સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ ફરિયાદી પોતાનો મોબાઇલ ફોન પરત મેળવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આક્ષેપ મુજબ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુખદેવસિંહ પરમારે મોબાઇલ પરત આપવા બદલ રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા ત્રણ હપ્તામાં રૂપિયા ચૂકવવાની વાત કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
લાંચ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન પૂર્વ આયોજન મુજબ ફરિયાદીએ આરોપીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કરણભાઈ ચાવડાએ ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તાના રૂ.1 લાખ સ્વીકાર્યા હતા. તે જ સમયે એસીબીની ટીમે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
એસીબીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ પરસ્પર મિલીભગતથી લાંચ ની માંગણી અને સ્વીકાર કર્યો હોવાના આરોપસર ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
