Rajkot News: રાજ્યમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોના વધતા કેસોને નાથવા માટે ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે સ્પીડ ગનની મદદથી ઓવરસ્પીડ વાહન ચલાવતા ચાલકોનો ફોટો કેપ્ચર કરી ઇ-મેમો જનરેટ કરવામાં આવે છે, જેના થકી દંડ ફટકારવાની કાર્યવાહી તેજ બની છે. આ પહેલથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં અને અકસ્માતો ઘટાડવામાં મદદ મળી રહી છે.
અગાઉ રાજકોટ પોલીસ દ્વારા ફક્ત હાઈવે પર ઇન્ટરસેપ્ટર વાહનોની મદદથી ઓવરસ્પીડના કેસો નોંધવામાં આવતા હતા. જોકે, ગુજરાત પોલીસે રાજકોટ શહેર પોલીસને વધુ 20 સ્પીડ ગન ફાળવતાં હવે શહેરની અંદરના રસ્તાઓ પર પણ ઓવરસ્પીડિંગ પર નજર રાખવામાં આવે છે. આ કાર્યવાહી 1 જૂન 2025થી શરૂ થઈ છે અને તેના પરિણામો પણ નોંધપાત્ર જોવા મળ્યા છે.
જૂન 2025 દરમિયાન રાજકોટ શહેરમાં 4,125 વાહનચાલકો સામે ઓવરસ્પીડિંગના કેસ નોંધીને કુલ 95,45,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રથમ વખત ઓવરસ્પીડિંગના કેસમાં 2,000 રૂપિયાનો દંડ અને બીજી વખત ઝડપાયેલા વાહનચાલકોને 3,000 રૂપિયાનો દંડ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા લાગુ કરવામાં આવે છે. આ ઉપરાંત, હાઈવે પર ઓવરસ્પીડિંગના 12,650 કેસ નોંધાયા છે, જેમાં છેલ્લા 6 મહિનામાં 2.53 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે જાન્યુઆરી 2025થી જૂન 2025 દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 5.91 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં સૌથી વધુ કેસો હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવવાના નોંધાયા છે. 20,170 વાહનચાલકો સામે હેલ્મેટ ન પહેરવા બદલ કાર્યવાહી કરી 1,00,85,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.આ સાથે, ફેન્સી નંબરપ્લેટ રાખવાના 18,904 કેસોમાં 56,75,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવરસ્પીડિંગના 14,930 કેસોમાં 3 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો છે, જે ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની સજાગતા દર્શાવે છે.
આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી
આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

