World News : હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂ સભ્યો સવાર રહેલા જહાજો પર થયેલા હુમલાઓને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે આ ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત (Indians Death)થયા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકા (America)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા ભારતીય જહાજોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન (Iran) દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને તેમણે તેહરાનને પોતાની હરકતો સુધારવાની ચેતવણી પણ આપી હતી.
ઈરાનનો દાવો છે કે હુમલા અમેરિકી દળોએ કર્યા હતા, જેના કારણે ત્રણ ભારતીય ખલાસીઓના મોત (Indians Death)થયા હતા
જોકે, ઈરાને આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. ભારત સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે અમેરિકાના આક્ષેપો પાયાવિહોણા છે. ઈરાનનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા જહાજો પર હુમલા અમેરિકી દળોએ કર્યા હતા, જેના કારણે ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા.
ઈરાન (Iran)ના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ અમેરિકાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં થયેલી આ ઘટનાઓ માટે અમેરિકા જવાબદાર છે અને વૈશ્વિક સમુદાયે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.
બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે અગાઉ દાવો કર્યો હતો કે ઓમાનના દરિયાકાંઠા નજીક એક ઓઈલ ટેન્કર પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં ભારતીય ક્રૂ સભ્યો પણ સવાર હતા. ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયાની માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા જહાજો ભારતીય માલિકીના નહોતા, પરંતુ તેમાં ભારતીય નાગરિકો ક્રૂ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ભારતે આ ઘટનાને ગંભીરતાથી લઈને અમેરિકી પક્ષ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાતચીત કરીને ભારતીય નાગરિકોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોમર્શિયલ જહાજો પર થતા હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક માનવામાં આવે છે. અહીં વધતા તણાવને કારણે વૈશ્વિક શિપિંગ અને ઊર્જા પુરવઠા પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
