ત્રાસદી/ સેવી-ગોદરેજ ટાઉનશીપના રહીશો હવે મેદાનમાં આવશે

સેવી તરફથી 7 વર્ષ પહેલાં ગટર જોડાણનાં મ્યુનિ. કોર્પોરેશનમાં 10 લાખ ભર્યાનું કહેવાય છે પણ મ્યુનિનું જોડાણ નથી કરી આપતી. આટલા વગદાર બિલ્ડરો આટલો સમય રાહ જોઈને બેસી રહે તે બાબત કોઈનેય ગળે ઉતરે તેવી નથી

Mantavya Exclusive
પ્રાથમિક

ગોતા જેવા નવ-વિકસિત વિસ્તારમાં હરખભેર રહેવા ગયેલાં નાગરિકોને ગટર-પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ નહીં મળતા ત્રસ્ત છે. જીવનભરની કમાણી ખર્ચી નાખ્યા બાદ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ટાઉનશીપમાં ભરપેટે કમાણી કરી લેનારા બિલ્ડરો રહીશોને મ્યુનિ. કોર્પોરેશન સામે મૂકીને હવે સુવિધાની માગણી કરી રહ્યાં છે. પ્રાથમિક સુવિધા વગર મકાનોના પઝેશન જ કઈ રીતે અપાયા તે પ્રશ્ન પૂછનાર કોઈ તંત્ર જ ના હોય તેવી કફોડી સ્થિતિ પ્રવર્તે છે.

લોકોને સરળતાથી રહેણાંકના મકાનો વ્યાજબી કિંમતે મળી રહે તેવા ઉદાત હેતુથી ગુજરાત સરકારે લાગુ કરેલી ટાઉનશીપની ઉદાર જોગવાઈઓનો કેટલાક બિલ્ડરો ભરપેટે લાભ લઇ લે છે. જીવનભરની કમાણીના નાણાં ખર્ચીને રહેવા આવતા મધ્યમવર્ગના નાગરિકોને શરત મુજબની સગવડો પૂરી પાડતા નથી. ગોતામાં આવેલ સેવી સ્વરાજ અને ગોદરેજ ટાઉનશીપમાં ગટરની પણ પુરતી સુવિધા નથી. સેવીમાં વારંવાર પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. ભર ઉનાળે નાગરિકો પરેશાન થાય છે.

સેવી તરફથી 7 વર્ષ પહેલાં ગટર જોડાણનાં મ્યુનિ. કોર્પોરેશનમાં 10 લાખ ભર્યાનું કહેવાય છે પણ મ્યુનિનું જોડાણ નથી કરી આપતી. આટલા વગદાર બિલ્ડરો આટલો સમય રાહ જોઈને બેસી રહે તે બાબત કોઈનેય ગળે ઉતરે તેવી નથી, ઉપરાંત આટલીમોટી સ્કીમના 10 લાખ જ હોય તે બાબત ક્યારેય પણ શંકા ઉપજાવનારી છે. હાલ તો સેવીમાં રહેવા આવેલા કુટુંબો આંદોલનના માર્ગે છે અને ગોદરેજના રહીશો પણ તેમની સાથે જોડાશે તેવું ચિત્ર ઊભું થયું છે.

સાણંદ રોડની ટાઉનશીપ ગોકુલધામની ગેરરીતિઓ સપાટી પર આવી જતા આખોય મામલો ગૂંચવાયેલો પડ્યો છે. ત્યાં બીજી બે ટાઉનશીપના પ્રશ્નો અલગ રીતે સામે આવ્યા છે. ટાઉનશીપના બિલ્ડરોની ચાલાકી એવી છે કે સુવિધા વગર મકાનો વેચી દે છે અને પછી સુવિધાની અમદાવાદ મ્યુનિ. પાસે માગણી કરવા નાગરિકોને આગળ ધરે છે. ઔડા અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ મંજૂરી આપી દીધા બાદ ટાઉનશીપનું મેનેજમેન્ટ શરતો પાળે છે કે નહીં તેનું ચેકિંગ કરતા નથી અથવા તો હપ્તા ખાઈને આંખ આડા કાન કરે છે. સરકારના શહેરી વિકાસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની કોઈ જવાબદારી જ ના હોય તેમ નિયમો બનાવીને એસી ઓફિસોમાં હવા ખાધા કરે છે. ફિલ્ડમાં ક્યારે આંટો મારતા નથી.

આવા બિલ્ડિંગોને BU  બિલ્ડીંગ યુઝ પરમિશન કઈ રીતે મળી જાય છે, તે પ્રશ્ન છે. ગટર-પાણીની સુવિધા BU બાદ કરવાની હોય છે પણ BU બાદ આપનારની ફરજ છે કે બિલ્ડરે ગટર પાણીની સુવિધા અંગે શું પ્રક્રિયા કરી છે. તેની સંપૂર્ણ ચકાસણી કરે તમામ ક્ષેત્રે પોલંપોલ જ ચાલે છે જેનો ભોગ લાખો-કરોડની નજીક જેટલી જીવનભરની મૂડી ખર્ચીને ફ્લેટ ખરીદનાર નાગરિકો બને છે. મકાન વેચી દીધા પછી તો કોઈ ફરિયાદ પણ સાંભળતા નહીં હોવાનું કહેવાય છે. રેરા જેવી સરકારે ઊભી કરેલી સંસ્થાના કડક નિયમોને પણ વગદાર બિલ્ડરો ઘોળીને પી જાય છે.

123

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપ્યું છે શું? : જવાબ મેળવવા આ વાંચો