Gujarat News/ વલ્લભ વિદ્યાનગરમાં મહિલાઓની સુરક્ષા અંગે તાલીમ

મહિલાઓની સુરક્ષા (Women Safety)અને સન્માન માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત જ ન રહે અને દરેક વ્યક્તિને સ્વતંત્ર, સુરક્ષિત તથા ગૌરવપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થાય

Gujarat
યુવાનોને એવા વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું, જ્યાં મહિલાઓની સુરક્ષા (Women Safety)અને સન્માન માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત જ ન રહે અને દરેક વ્યક્તિને સ્વતંત્ર, સુરક્ષિત તથા ગૌરવપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થાય

Gujarat News : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidyanagar)સ્થિત નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે ‘જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ’ અને ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013 (Sexual Harassment Act)વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રી-ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમ દરમિયાન તાલીમના હેતુ અને કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત (Workplace Safety), સન્માનજનક અને સંવેદનશીલ વાતાવરણ ઊભું કરવાની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયે પોતાના ઉદબોધનમાં યુવાનોને આત્મસન્માન સાથે અને એક જવાબદાર નાગરિક તરીકે આગળ વધવાની અપીલ કરી હતી. તેમણે વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓનો વિકાસ પૂરતો નથી, પરંતુ સુરક્ષિત, સંવેદનશીલ અને સૌ માટે સન્માનજનક ભારતનું નિર્માણ પણ એટલું જ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમણે યુવાનોને એવા વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું, જ્યાં મહિલાઓની સુરક્ષા (Women Safety)અને સન્માન માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત જ ન રહે અને દરેક વ્યક્તિને સ્વતંત્ર, સુરક્ષિત તથા ગૌરવપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થાય.

આ પ્રસંગે ચેરિટી કમિશનર ડૉ. યોગિની સિમ્પી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને કાયદાઓ અંગે સરળ અને માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું. પોતાના જીવનના વિવિધ અનુભવો અને પ્રસંગોને ઉદાહરણરૂપ રજૂ કરીને તેમણે યુવાનોને કાયદા પ્રત્યે જાગૃત રહેવા તેમજ જીવનમાં જવાબદારીપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ચરોતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગરના સેક્રેટરી ડૉ. એસ. જી. પટેલે પોતાના આશીર્વચનમાં યુનિવર્સિટી તથા સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

તાલીમ કાર્યક્રમના વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. જાતિગત સંવેદનશીલતા અંગે ડાયરેક્ટ ફેથ ફાઉન્ડેશન, વડોદરાના સુશ્રી સુઝન સેમસન દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ લો કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કિરણ સી. ભરતીયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ, મહિલાઓના અધિકારો અને કાયદાકીય બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત જેન્ડર રિસોર્સ સેન્ટરના રિસર્ચ આસિસ્ટન્ટ સુશ્રી ધર્મિષ્ઠા ઝાલા દ્વારા યુવાનો અને પોષણના મહત્વ વિષય પર વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓની સમજણ અને જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે પોસ્ટ-ટેસ્ટ યોજવામાં આવી હતી. ત્યારબાદ આભારવિધિ સાથે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ દ્વારા કાર્યસ્થળે મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા કેળવવા, તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ (Legal Awareness)લાવવા તેમજ સુરક્ષિત અને સન્માનજનક કાર્યપરિવેશના નિર્માણ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે જેન્ડર રિસોર્સ સેન્ટર (GRC)ના  શૈલેન્દ્રબેન ઝાલા, પ્રો. પ્રિયંકા વ્યાસ, ડૉ. નિશા જોષી, ડૉ. સોનલ ચૌધરી તેમજ કેન્દ્ર સંયોજક ડૉ. બી. એમ. પરમાર, કેન્દ્રના સહસંયોજક મહેશ પરમાર અને સહિતના સૌએ મહત્વપૂર્ણ સહયોગ અને સક્રિય સમર્થન પૂરું પાડ્યું હતું.


આ પણ વાંચો : એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317 ટકા ફી વધારો ઝીંકવાની તૈયારીમાં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.

આ પણ વાંચો : ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનથી પ્રેરણા લઈ નાગરિકોને શિક્ષિત અને સંગઠિત બનવા જોઈએ : મુખ્યમંત્રી

આ પણ વાંચો : ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનથી પ્રેરણા લઈ નાગરિકોને શિક્ષિત અને સંગઠિત બનવા જોઈએ : મુખ્યમંત્રી