Bhavnagar News: શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડી (Kumbharwada Anganwadi)માં બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આંગણવાડીમાં વિતરણ માટે આવેલા દાળ-ભાત અને શીરાના નાસ્તામાં જીવાત જોવા મળતાં નાસ્તાનું વિતરણ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આંગણવાડીમાં બાળકો માટે સરકાર તરફથી પૂરો પાડવામાં આવેલા નાસ્તામાં જીવાત હોવાની જાણ આંગણવાડી સુપરવાઈઝર અને વર્કરને થઈ હતી. બંનેએ સમયસૂચકતા દાખવીને બાળકોને આ નાસ્તો આપવાને બદલે તેનું વિતરણ રોકી દીધું હતું.
Kumbharwada Anganwadi: તમામ આંગણવાડીઓમાં નાસ્તો ન આપવા સૂચના
કુંભારવાડા આંગણવાડીની ઘટનાને પગલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ આંગણવાડીઓમાં તે દિવસનો મનપા સંચાલિત નાસ્તો બાળકોને ન આપવા સૂચના આપવામાં આવી હતી. તેના બદલે બાળકોને પડીકાવાળો નાસ્તો આપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આંગણવાડી (Kumbharwada Anganwadi)માં આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણીની પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠ્યા છે.
કોંગ્રેસના કોર્પોરેટરે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા
કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે આંગણવાડી (Kumbharwada Anganwadi)ની મુલાકાત લઈને ચેકિંગ કર્યું હતું. તેમણે સમગ્ર મામલે મનપા તંત્ર તેમજ ખોરાક પૂરો પાડતા કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કિશન મેરના જણાવ્યા પ્રમાણે, આશરે એક મહિના પહેલાં પણ કુંભારવાડાની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનું વિતરણ થયું હોવાનો મામલો સામે આવ્યો હતો. તેમ છતાં બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે પૂરતી કાળજી લેવામાં આવી રહી નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, બાળકોના આરોગ્ય સાથે વારંવાર બેદરકારી થતી હોવા છતાં મનપા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અધિકારીઓ તહેવારો અને ઉત્સવોની કામગીરીમાં વ્યસ્ત હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. કોર્પોરેટરે કહ્યું કે, નાના બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમના ખોરાકની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં. જો બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મનપાએ પરિણામ ભોગવવું પડશે. કોંગ્રેસની ટીમ આગામી દિવસોમાં આંગણવાડી (Kumbharwada Anganwadi)ઓનું જાતે સુપરવિઝન કરશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી.
સેમ્પલ લઈ તપાસ બાદ કડક કાર્યવાહીનો ડેપ્યુટી મેયરનો દાવો
સમગ્ર મામલે ભાવનગરના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ જણાવ્યું હતું કે, નાસ્તાના સેમ્પલ મંગાવી તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ઘટનાને લગતી વિડિયોગ્રાફી અને અન્ય પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવશે. તપાસમાં જો બેદરકારી સાબિત થશે તો સંબંધિત એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું. બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર એજન્સી કે જવાબદાર વ્યક્તિ ગમે તેટલી વગદાર હોય, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને બક્ષવામાં નહીં આવે તેવી તેમણે સ્પષ્ટતા કરી હતી.
અધિકારીઓ રજા પરથી પરત ફર્યા બાદ મોતીબાગ અને કુંભારવાડા આંગણવાડી (Kumbharwada Anganwadi)ના બંને કિસ્સામાં ડૉ. સિન્હા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે નાસ્તાના સેમ્પલની તપાસ બાદ હકીકત સામે આવે તેવી શક્યતા છે. તપાસના પરિણામ બાદ જવાબદાર એજન્સી કે વ્યક્તિ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:‘પશુ પણ ન ખાય’ તેવી રોટલી! રાજકોટની આંગણવાડીના ભોજનને લઈને વાલીઓમાં રોષ
આ પણ વાંચો:ઉનાની આંગણવાડીમાં નાસ્તા બાદ બાળક બીમાર: ઉલ્ટીમાં જીવતી ઈયળ નીકળ્યાનો પરિવારનો આક્ષેપ
આ પણ વાંચો:બોટાદમાં લાખોના ખર્ચે બનેલી આંગણવાડી જર્જરિત, બાળકોના જીવ સાથે રમત રમતું તંત્ર
