Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી (Tree Collapse)થવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે રાત્રે શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ અચાનક રોડ પર ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં એક યુવક ઝાડના થડ અને ડાળીઓ નીચે દબાઈ ગયો હતો, જ્યારે નજીકમાં પાર્ક કરેલી બે રિક્ષા અને એક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને પણ નુકસાન પહોંચ્યું હતું.
ફાયરબ્રિગેડે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમો, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવકર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ ઝાડ નીચે ફસાયેલા યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સતત બીજા દિવસે વૃક્ષ પડવાની ઘટના
ખાસ નોંધનીય બાબત એ છે કે એક દિવસ અગાઉ લાલ દરવાજા વિસ્તારમાં સરદારબાગ નજીક પણ વિશાળ વૃક્ષ ધરાશાયી (Tree Collapse)થયું હતું. તે ઘટનાના લગભગ 100 મીટરના અંતરે જ ખાનપુરમાં ફરી આવી ઘટના બનતા શહેરમાં વૃક્ષોની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
વાહન વ્યવહાર પર અસર
મહત્વના માર્ગ પર વૃક્ષ પડી જતાં થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે વૃક્ષની ડાળીઓ કાપીને રસ્તો ફરી ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.
ચોમાસા દરમિયાન શહેરમાં વારંવાર વૃક્ષ ધરાશાયી (Tree Collapse)થવાની ઘટનાઓ સામે આવતાં નાગરિકોમાં ચિંતા વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જૂના અને જોખમી વૃક્ષોની સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
