Bharuch News : ભરૂચમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું અચાનક ઢળી પડવાથી મોત નીપજ્યુ હતું. મૂળ ઉત્તરપ્રદેશનો આ ટ્રક ડ્રાઈવર શમા હોટેલમાં સો઼ડા લેવા માટે આવ્યો હતો. ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ બનાવની વિગત મુજબ કિસ્મઅલી શેખે તેમની ટ્રક હોટલની બહાર પાર્ક કરી હતી. બાદમાં તે સોડા લેવા કાઉન્ટર પર પહોંચ્યા હતા. દરમિયાન સોડા લીધા બાદ અચાનક તે હોટેલમાં કાઉન્ટર પાસે જ ઢળી પડ્યા હતા. જેને પગલે હોટેલમાં હાજર બે લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને મદદ કરે છે. બીજીતરફ હોટેલમાં હાજર અન્ય લોકો પણ એકઠા થાય છે. તેઓ ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કરે છે.
હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ બનાવને લઈને હોટલના માલિક ઇમરાનભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. સારવાર અર્થે કિસ્મઅલી શેખને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના ભાનપુર તાલુકાના મનિકૌરના રહેવાસી મૃતક કિસ્મત અલી શેખ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. હોટેલ સંચાલક ઈમરાને જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર અમારે ત્યાં સોડા લેવા માટે આવ્યા હતા. અને અચાનક ઢળી પડ્યા. તેમને હાર્ટ એટક આવ્યો. જે બાદ અમે તેમને 108ની મદદથી હોસ્પિટલ લઈ ગયા. જ્યા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
