World News : યુરોપમાં KitKat ચોકલેટ ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિશ્વપ્રસિદ્ધ ફૂડ કંપની Nestléને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીની લોકપ્રિય પ્રોડક્ટ KitKatથી ભરેલો આખો ટ્રક ટ્રાન્ઝિટ દરમિયાન ગાયબ થઈ જતા આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે.
ફિલ્મી સ્ટાઈલમાં 12 ટન ચોકલેટ ગાયબ
નેસ્લેના જણાવ્યા મુજબ લગભગ 12 ટન વજન ધરાવતો અને અંદાજે 4 લાખથી વધુ KitKat ચોકલેટથી ભરેલો ટ્રક Italyમાંથી Poland તરફ જઈ રહ્યો હતો. પરંતુ આ ટ્રક ગંતવ્ય સુધી પહોંચ્યો જ નહીં અને રસ્તામાં જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. ટ્રક ચોક્કસ કયા સ્થળેથી ગાયબ થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ઈસ્ટર પહેલાં સપ્લાય પર ખતરો
આ ચોરીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નજીકમાં Easterનો તહેવાર આવી રહ્યો છે. આ સમયગાળામાં ચોકલેટની માંગ ખુબ વધી જાય છે. એટલા મોટા જથ્થાની ખોટને કારણે બજારમાં KitKatની અછત સર્જાઈ શકે છે અને ગ્રાહકો પર તેની સીધી અસર જોવા મળી શકે છે.
ગ્રે માર્કેટમાં વેચાણની આશંકા
કંપનીએ શંકા વ્યક્ત કરી છે કે ચોરાયેલો માલ અનધિકૃત બજારમાં એટલે કે Gray Marketમાં સસ્તા ભાવે વેચાઈ શકે છે, જે બ્રાન્ડ માટે વધુ નુકસાનકારક બની શકે છે.
બેચ કોડથી ટ્રેકિંગ શરૂ

ચોરી ગયેલા ચોકલેટને શોધવા માટે Nestléએ હાઈ-ટેક પગલાં લીધાં છે. દરેક KitKat પર અનોખો બેચ કોડ હોય છે, જેના આધારે શંકાસ્પદ સ્ટોકની ઓળખ કરી શકાય છે. કંપનીએ યુરોપભરના ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્થાનિક સત્તાધીશો સાથે મળીને તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ સિસ્ટમની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને ભવિષ્યમાં આવી ચોરીઓ અટકાવવા માટે વધુ કડક વ્યવસ્થા કરવાની જરૂરિયાત દર્શાવી છે.
