World News/ AIની રફતાર ઘટાડવાના પક્ષમાં નથી ટ્રમ્પ, કહ્યું- ચીન સામેની ટેક રેસમાં અમેરિકા પાછળ નહીં રહે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ચીન સાથેની સ્પર્ધામાં આગળ રહેવા માટે અમેરિકા AI ના વિકાસની રફ્તાર બિલકુલ ધીમી નહીં કરે.

Top Stories international World
AI

Donald Trump AI Policy Update: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના ઝડપી વિકાસને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક ટેક નિષ્ણાતો AIની રફતાર થોડી ધીમી કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે AIના વિકાસની ગતિ ઘટાડવાનો વિરોધ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા AI ક્ષેત્રે ચીન કરતાં આગળ છે અને આ ટેકનોલોજીકલ લીડ જાળવી રાખવી જરૂરી છે.

AI રેસમાં અમેરિકા-ચીન વચ્ચે સીધી ટક્કર

આયર્લેન્ડના ડૂનબેગમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે AIની વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા હાલમાં આગળ છે અને તેઓ આ સ્થિતિ ગુમાવવા માંગતા નથી. તેમના મતે એઆઈ ની રેસમાં જે દેશ આગળ નીકળશે, તે જ આ ક્ષેત્રમાં નિર્ણાયક સ્થાન મેળવશે. ચીન સાથેની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને અમેરિકાની એઆઈ વિકાસની ગતિ ઘટાડવી યોગ્ય નથી, તેવો ટ્રમ્પનો અભિગમ છે.

સુરક્ષા માટે ગાર્ડરેલ્સની જરૂરિયાત સ્વીકારી

ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે એઆઈના ઉપયોગ અને વિકાસ માટે કેટલીક સુરક્ષા મર્યાદાઓ જરૂરી બની શકે છે. જોકે, તેમની સરકાર કયા પ્રકારના નિયમો લાગુ કરશે તેની સ્પષ્ટ વિગતો તેમણે આપી નથી. બીજી તરફ એઆઈ ના ઝડપી વિકાસ સામે ચિંતા વ્યક્ત કરનારા લોકો અંગે ટ્રમ્પે કહ્યું કે ટેકનોલોજીને માત્ર નકારાત્મક દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. ટ્રમ્પનું નિવેદન એઆઈ ના વિકાસની ગતિ અંગે ચાલી રહેલી વૈશ્વિક ચર્ચા વચ્ચે આવ્યું છે. એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ એઆઈ ક્ષેત્રે વિકાસની ઝડપ થોડા સમય માટે ઘટાડવાની જરૂરિયાત દર્શાવી હતી. તેમનો મત છે કે સુરક્ષા વ્યવસ્થાને એઆઈ ની ક્ષમતા સાથે તાલ મિલાવવા માટે પૂરતો સમય મળવો જોઈએ. એલન મસ્ક અને OpenAIના CEO સેમ ઓલ્ટમેન પણ એઆઈ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

ડેટા સેન્ટરોને લઈને પણ ચર્ચા

ટ્રમ્પ અમેરિકામાં એઆઈ ડેટા સેન્ટરોના વિસ્તરણને પણ સમર્થન આપી રહ્યા છે. મોટી ટેક કંપનીઓ નાના શહેરો અને અન્ય વિસ્તારોમાં મોટા કમ્પ્યુટિંગ સેન્ટરોનું નેટવર્ક ઊભું કરી રહી છે. જોકે, જમીન, પાણી અને વીજળીની વધતી માંગને લઈને બંને રાજકીય પક્ષોના કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ડેટા સેન્ટરોના કારણે વીજળીની માંગ અને સામાન્ય ગ્રાહકોના બિલ પર પડનારી અસર ચર્ચાનો વિષય બની છે.

ચીન સામેની સ્પર્ધામાં સમાધાન નહીં

ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા એઆઈ ક્ષેત્રે ચીન સામેની સ્પર્ધામાં પોતાની ઝડપ જાળવી રાખવા માંગે છે. અમેરિકાના કેટલાક નેતાઓ એઆઈ માટે ચોક્કસ સુરક્ષા પગલાંની તરફેણ કરે છે, પરંતુ સાથે જ દેશને ટેકનોલોજીમાં આગળ રાખવાનું રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ માને છે. આ દરમિયાન એન્થ્રોપિકના પૂર્વ કર્મચારી જેકબ કોક્સને અમેરિકા અને ચીન બંનેને એઆઈ વિકાસમાં જવાબદારીપૂર્વક આગળ વધવાની અપીલ કરી છે. તેમનો આશય એ છે કે બંને દેશ જો પૂરતી સુરક્ષા વિના એકબીજાથી આગળ નીકળવાની દોડમાં રહેશે, તો AIની સ્પર્ધા ભવિષ્યમાં ગંભીર જોખમ ઊભું કરી શકે છે.


આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ

આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી