National News: ટ્રમ્પ (Donald Trump) ભારતને F-35 જેટ વેચવા ઈચ્છે છે અને એ હેતુસર ટેરિફ (tariff) નું પ્રેશર બનાવી રહ્યાં છે પરંતુ, ભારતે આ બાબતમાં ચોખ્ખી ના પાડી દીધી છે. આ જેટ મોંઘા તો છે જ ઉપરાંત, એની જાળવણી કરવી પણ મુશ્કેલ છે. ભારતને પોતાની ટેકનિકલ સ્કિલ તથા રશિયાના સુખોઈ Su-57 પર ભરોસો છે. ટ્રમ્પનું આ પ્રેશર કેટલું કારગર સિદ્ધ થશે એ તો સમય આવ્યે ખબર પડી જશે પરંતુ, અત્યારે તો ભારત પોતાનો માર્ગ સ્વયં સુનિશ્ચિત કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે.
F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની તજવીજ કરી રહ્યાં છે ટ્રમ્પ, એટલા જ માટે ભારત પર ટેરિફનું દબાણ બનાવી રહ્યાં છે.
આજકાલ ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા તથા વ્યાપાર સંબંધી ઘણી ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં જ F-35 ફાઇટર જેટ વેચવાનો પ્રસ્તાવ ભારત સમક્ષ મૂકવામાં આવેલો છે, પરંતુ એની પાછળ રહેલું ટેરિફનું પ્રેશર પણ દીવા જેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. બીજી તરફ ભારતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, એને આ જેટમાં કોઇ જ રસ નથી! તો ચાલો હવે સમજીએ કે, શું ટ્રમ્પ ખરેખર ભારતને, આ ‘સ્ટીલ્થ’ જેટ પરાણે પધરાવવા માગે છે?

વર્ષ 2025ના ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૉશિંગ્ટન ખાતેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતુ કે, અમેરિકા દ્વારા આ વર્ષે ભારતને કરાતા શસ્ત્રોના વેચાણમાં અબજો ડૉલરની વૃદ્ધિ કરવામાં આવશે, જેમાં F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ પણ સામેલ છે. આ જેટ દુનિયાના સૌથી ઊંચી હરોળના લડાયક વિમાનો પૈકીના એક માનવામાં આવે છે, જે દુશ્મનના રડારથી બચી શકે છે! વળી, એ ઘણી રીતે પ્રહાર પણ કરી શકે છે. પરંતુ, ખાટલે મોટી ખોડ એ છે કે, ટ્રમ્પે આની સાથે-સાથે ભારત પર ટેરિફનું દબાણ પણ વધાર્યું છે.
એમણે એવું જણાવ્યું હતું કે, ભારત ઘણું વધારે ટેરિફ લગાવે છે, જેથી અમેરિકાના ધંધાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે. એની જવાબી કાર્યવાહી સ્વરુપે એમણે ભારત સહિત તમામ દેશો પર વળતું ટેરિફ લગાવવાની વાત કરી હતી! કેટલાય લોકોનુ માનવું છે કે, આવું પ્રેશર લાવીને ટ્રમ્પ ભારતને F-35 ખરીદવા માટે મજબૂર કરવાની કોશિશ કરી રહ્યાં છે. પણ અહિં એ સવાલ ઉપસ્થિત થાય છે કે, શું ભારત આ દબાણ સામે ઝૂકી જશે? અને આ જેટ શું ખરેખર ભારત માટે ફાયદાકારક છે ખરાં?
ભારતનું વલણ: F-35 માં નથી રસ
બ્લૂમબર્ગ ના એક રિપોર્ટ અનુસાર, ભારતે અમેરિકાને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે કે તે આ F-35 જેટ ખરીદવામાં રસ ધરાવતું નથી. જુલાઈ 2025 માં થયેલી વાતચીત મુજબ, ભારતીય અધિકારીઓએ જણાવી દીધું હતું કે, તેઓ આ સોદાને આગળ વધારવાના મૂડમાં નથી. કારણ સ્પષ્ટ છે – ભારતને આ જેટની કીંમત, જાળવણીખર્ચ તથા એની જરુરિયાત હોવા અંગેની બાબતોમાં શંકા છે. એક જેટની કીંમત લગભગ 80 મિલિયન ડૉલર (લગભગ 670 કરોડ રુપિયા) છે! એની સાથે-સાથે તાલીમ અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો ખર્ચ તો અલગથી જોડવો પડે એમ છે!
નવાઈની વાત તો એ છે કે, કેટલાક લોકો જેમ કે, એલન મસ્ક (ટ્રમ્પના નિકટતમ સહચોગી)એ પણ F-35 ને ‘જંક’ (ભંગાર) કહેવાની સાથે એવો દાવો પણ કર્યો છે કે, ડ્રોન ના જમાનામાં મૅન્ડ ફાઇટર(ચાલક સહિતના ફાઈટર) જૂના-પુરાણા થઇ ગયા છે. આવા સંજોગોમાં ભારત સામે એ સવાલ ઊભો થાય છે કે, આટલા મોંઘા જેટ પર ભરોસો કરવો યોગ્ય રહેશે કે નહિં? ભારતીય વાયુસેના પ્રમુખ ઍર માર્શલ એ.પી. સિંહે પણ જણાવ્યું છે કે, F-35 ને ખરીદતા પહેલા એનો કુલ ખર્ચ તથા એની જરુરિયાત વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે.

F-35 શું છે? શા માટે છે વિવાદાસ્પદ?
F-35 એ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જેને લૉકહિડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું છે. એનામાં રડારથી બચવાની ખૂબી, ઉન્નત સેન્સર તથા હવા, જમીન અને સમુદ્ર -ત્રણેય પર હુમલો કરવાની ક્ષમતા છે. અમેરિકા, બ્રિટન,જાપાન જેવા દેશો એનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ, એનો ખર્ચ તથા ટૅકનિકલ ખામીઓને કારણે એ હંમેશાં વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, આ જેટ જટિલ છે અને એની જાળવણી પાછળ ઘણા નાણાનો વ્યય થાય છે.
ભારત માટે એક અન્ય સમસ્યા એ છે કે, એણે અમેરિકી ફાઇટર જેટ ક્યારેય નથી ઉડાવ્યાં. ભારતીય વાયુસેના પાસે રશિયન વિમાન, જેવા કે એમકેઆઈ છે, જેમની સાથે F-35 નો તાલમેલ બેસાડવો મુશ્કેલ લાગે છે. આ સાથે જ, ભારત પોતાના સ્વદેશી ઉત્પાદન એવા પાંચમી પેઢીના વિમાન AMCA (એડવાન્સ્ડ મીડિય્ કૉમ્બેટ ઍરક્રાફ્ટ) પર કામ કરી રહ્યું છે, જે 2035 સુધીમાં તૈયાર થઇ શકે છે. એવામાં F-35 લેવું આવશ્યક જણાતુ નથી.
રશિયાનો જવાબ: સુખોઈ -57 નો પ્રસ્તાવ

જ્યારે અમેરિકાએ F-35 નો પ્રસ્તાવ આપ્યો, ત્યારે રશિયાએ આગળ ડગ માંડીને ભારત સમક્ષ સુખોઈ -57 ફાઇટર જેટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં ટેકનિકલ ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદન પણ સામેલ છે. રક્ષા ક્ષેત્રે રશિયા હંમેશાંથી ભારતનું જૂનું સહયોગી રહેલું છે. સુ-57 ને ભારતની જરુરિયાતોના ઢાંચામાં ઢાળી શકાય એમ છે. વળી, પ્રધાનમંત્રી મોદીના વિઝન ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે પણ આ પ્રસ્તાવનો મેળ ખાય છે.
પરંતુ, ખાસ કરીને જ્યારે ટ્રમ્પ ટેરિફ તથા રક્ષા સોદાઓ પર ભાર મૂકી રહ્યાં હોય એવા સમયે, જો ભારત રશિયા સાથે સોદો કરે તો અમેરિકા સાથેના એના સંબંધો તણાવપૂર્ણ બની શકે છે.
ભારત માટે શું યોગ્ય છે?
ભારતીય વાયુસેના પાસે હાલમાં 31 સ્ક્વૉડ્રન છે, જ્યારે એને 42 ની જરુર છે. ચીન અને પાકિસ્તાનની વધી રહેલી તાકાતને જોતાં નવા વિમાનોની તાતી જરુર છે, પરંતુ F-35 ની ઊંચી કીંમત અને જાળવણીનો બોજ ભારત માટે માથાનો દુ:ખાવો બની શકે છે. ભારત ઇચ્છે છે કે, રક્ષા ઉપકરણોની ફક્ત ખરીદી જ ન કરવામાં આવે પરંતુ એનું દેશમાં જ ઉત્પાદન થાય. આથી સરકાર દ્વારા સ્વદેશી પ્રોજેક્ટ્સ, જેવા કે AMCA અને મલ્ટી-રોલ ફાઇટર ઍરક્રાફ્ટ (MRFA) ની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પનું ટેરિફ પ્રેશર ભારતને મજબૂર કરી શકશે નહિં, કારણ કે ભારતે પહેલેથી જ આ બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. જુલાઈ 2025 માં 25% ટેરિફની ધમકી મળવા છતાં પણ ભારતે અમેરિકી સરસામાન ની ખરીદી વધારવાની વાત કરી, પણ F-35 ના સોદાને ઠુકરાવી દીધો! આના પરથી સ્પષ્ટ દેખાય છે કે, ભારત પોતાની શરતે નિર્ણયો લેવા ઈચ્છે છે.
આ પણ વાંચો:ભારત અવકાશમાં ઇતિહાસ રચશે… નાસા-ઇસરોનું NISAR મિશન આજે લોન્ચ થશે
આ પણ વાંચો:પ્રેમના બહાને નાની છોકરીઓ સાથે ગંદી હરકતો કરતો હતો, મામલો સામે આવતા શિક્ષકે ઠપકો આપ્યો!
આ પણ વાંચો:આજે દિલ્હી-યુપીમાં ભારે વરસાદ પડશે, હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ચેતવણી
