Amreli News : ભારે પવન અને વરસાદને પગલે અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. જેને કારણે જાફરાબાદથી 19 નોટીકલ માઈલ દૂર જાફરાબાદ અને રાજપરાની બે બોટ ડૂબી ગઈ હતી. આ બન્ને બોટમાં કુલ 18 માછીમારો સવાર હતા. જોકે તેમાંથી 10 જણાને બચાવી લેવાયા હતા. જ્યારે 8 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બન્ને બોટે દરિયામાં જળસમાધી લીધી છે. બંને બોટમાં નવ-નવ માછીમારો સવાર હતા. જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા છે. તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, મધ દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે.
વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે
જાફરાબાદ માછીમારો દ્વારા ફિશરીજ વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ જણાવ્યું કે, બે બોટ ડૂબી છે. જેમાંથી 10 માછીમારો બચી ગયા છે. અન્ય માછીમારોને અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, હાલ વાતાવરણ ખરાબ છે. તમામ બોટ પરત આવી રહી છે. વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ જણાવ્યું કે, હાલમાં ખરાબ વાતાવરણના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર જઈ શકે તેમ નથી. જેને કારણે બોટ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Weather forecast/Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!
આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાની મહેરઃ છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં પડ્યો વરસાદ
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
