Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ગમખ્વાર અકસ્માતની બે ઘટના સામે આવી છે. પ્રથમ બનાવમાં 2 ઓગસ્ટની રાત્રે વિજાપુરના પરવારી રોડ પર એક યુવક ઘરેથી જમીને ચાલવા નીકળ્યો હતો. આ સમયે રોડ ક્રોસ કરતા સમયે ફૂલ સ્પિડમાં આવતા કારચાલકે યુવકને જોરદાર ટક્કર મારતા યુવક કાર સાથે જ 15થી 20 ફૂટ દુર જઈને નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.
અન્ય બનાવમાં વિજાપુર તાલુકાના વસાઈ ગામ નજીક બન્યો હતો. જેમાં વસાઈ ગામે રહેતા દતાણી પરિવાર પોતાના નવજાત બાળકને સારવાર અપાવવા માટે વિસનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન ગામની નજીક રોડ ક્રોસ કરતા સમયે બેફામ કારચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રાઉન્ડ ફરી રોડ પર દુર સુધી ઢસડાઈ હતી. આ ઘટનામાં 28 દિવસના બાળકનું મોત નીપજ્યું છે, તો ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બન્ને અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
વિજાપુર તાલુકાના વસાઈ ગામે રહેતા મંજુલાબેન દતાણીના ઘરે 28 દિવસ અગાઉ પુત્રનો જન્મ થયો હતો. દીકરાને આંખોમાં સોઝા આવતા હોવાથી વિસનગરની આકાશ હોસ્પિટલમાં ચેકઅપ માટે જવાનું હોવાથી 2 ઓગસ્ટને શનિવારે મંજુલા બેન, તેમના સાસુ અને દિયર પોતાના 28 દિવસના બાળકને લઈ ગામમાં રહેતા ઓડ ઇરફાન ભાઈની GJ18AY8333 નંબરની રિક્ષામાં બેસી વિસનગર જવા નીકળ્યા હતા.
આ દરમિયાન વિજાપુર હાઇવે પર રિક્ષાચાલક પોતાની રિક્ષા રોડ ક્રોસ કરાવી રહ્યો હતો, એ દરમિયાન બેફામ સ્પીડમાં આવી રહેલ GJ02EC8937 નંબરની બ્રેઝા કારના ચાલકે રિક્ષાના વચ્ચેના ભાગે જોરદાર ટક્કર મારતા રિક્ષા બે રાઉન્ડ ફરીને રોડ પર ઢસડાઈને પલટી મારી ગઈ હતી. રિક્ષામાં બેસેલા બાળક સહિત કુલ પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર અકસ્માતની આ ઘટનામાં 28 દિવસના નવજાત બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલકને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં તો ફરિયાદી મંજુલા બેન, તેમના દિયર અને સાસુ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઈ રહ્યા છે. સમગ્ર અકસ્માત દરમિયાન રિક્ષાને ટક્કર મારનાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકીને ભાગી ગયો હતો. આ મામલે મંજુલા બેને ફરિયાદ નોંધાવતા વસાઈ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.જ્યારે બીજી ઘટનામાં મહેસાણાના વિજાપુર શહેરમાં જૈન મંદિર સાથે પોતાના પરિવાર સાથે રહેતો અને મજૂરી કરી પોતાનું જીવન ગુજારતો 35 વર્ષીય વાઘેલા દિપક ઉર્ફ ઘેટો ગઈકાલે (2 ઓગસ્ટ) રાત્રે ઘરેથી જમ્યા બાદ ગોવિદ પુરા ચોકડીથી આનંદ પુરા ચોકડી પર ચાલવા નીકળ્યો હતો.
આ દરમિયાન યુવક રોડ ક્રોસ કરવા જતાં રોડ પર ફૂલ સ્પિડમાં આવતી કારે યુવક અડફેટે લીધો હતો. આ કારની નક્કર એટલી જોરદાર હતી કે, યુવક કાર સાથે જ 15થી 20 સુધી હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.ઘટનાને પગલે સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે યુવકને તપાસી મૃત જાહેર કરતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.
આ હચમચાવી નાખતી હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે, યુવક રોડની પાળીએ થોડીવાર ઊભા રહ્યાં બાદ રોડ ક્રોસ કરી રહ્યો છે. આટલામાં જ ફૂલ સ્પિડમાં આવતી કાર યુવકને અડફેટે લેતા યુવક કારની સાથે દુર જઈને રોડ પર પટકાઈ છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.
મૃતક દિપક અને અમે સાથે જમ્યા હતા અને બાદમાં એ રોજની જેમ દિપક રોડ પર આંટો મારવા નીકળ્યો હતો, જ્યાં અકસ્માત સર્જાયો હતો. વધુમાં જણાવ્યું કે, ઘરમાં દિપક એકલો જ કમાનવાર હતો. છૂટક મજૂરી કરી ઘર ચલાવતો હતો. તેમના મોટા ભાઈ અસ્થિર મગજના છે અને માતા-પિતા વૃદ્ધ છે. ત્યારે હાલમાં આ ઘટનાને કારણે પરિવાર શોકમગ્ન બન્યો છે. હાલમાં મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:હવે ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 11 ઓગસ્ટથી શરૂ થશે
આ પણ વાંચો:રેલ્વે બ્લોકના લીધે 27મી ઓગસ્ટની ટ્રેનો રદ, પોરબંદરવાસીઓને પડશે હાલાકી
આ પણ વાંચો:જૂનાગઢમાં રેલ્વે વિભાગની ઘોર બેદરકારી, ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
