અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. આ દરમિયાન 22 અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાબુલ પોલીસ વડા માટે તાલિબાન દ્વારા નિયુક્ત કરાયેલા પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે વિસ્ફોટ પશ્ચિમી કાબુલના પુલી-એ સોખ્તા વિસ્તારમાં થયો હતો. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે. હાલ આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ અહીંની હજારા મસ્જિદમાં થયો હતો. સમાચાર અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટ મહિલાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે, કાબુલના પશ્ચિમી વિસ્તારમાં બે વિસ્ફોટ થયા છે. જેમાં હજારા અને શિયા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇમામ મોહમ્મદ બેકરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે માહિતી આપી છે કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે.
