ખેડા જિલ્લામાં કોરોનાના તાંડવ વચ્ચે વીકએન્ડ ઈન્જોય કરવા આવેલા અમદાવાદના બે મિત્રને મોત મળ્યું છે. અમદાવાદના છ મિત્રો ત્રણ મોટરસાઇકલ લઈને મહેમદાવાદ પંથકના ઘોડાસર માતાજીના દર્શને અને સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શને આવ્યા હતા. એ દરમિયાન વચ્ચે આવતી કેનાલમાં નાહવા પડેલો એક મિત્ર પાણીમાં ડૂબતાં અન્ય મિત્ર બચાવવા પડતાં બન્નેનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. એ પૈકી એકનો મૃતદેહ ગઇકાલે મળી આવ્યો હતો, જ્યારે અન્ય યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યો છે. આ અંગે મહેમદાવાદ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગતરોજ એક કરુણાંતિકા ઘટના બની હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા છ જેટલા મિત્રો ગઇકાલે વીક એન્ડ ઈન્જોય કરવા મહેમદાવાદ પંથકમાં આવ્યા હતા. આ તમામ મિત્રોએ ભેગા મળી રવિવારે મહેમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ખોડીયાર મંદિર અને તેનાથી આગળ આવેલા ખાત્રજ ચોકડી પાસેના સિધ્ધિ વિનાયક મંદિરના દર્શન કરવા જવાનો પ્લાન ઘડયો હતો.
સવારે આ છ મિત્રો ત્રણ મોટરસાયકલ લઈને લઈને અમદાવાદથી મહેમદાવાદ પંથકમાં આવ્યા હતા. બપોરે તેઓ ઘોડાસર પહોંચી ગયા હતા. જ્યાં માતાજીના દર્શન કરી ખાત્રજ ખાતેના સિધ્ધી વિનાયક મંદિરે જતાં હતાં, તે સમયે ઘોડાસર પ્રાથમિક શાળા પાસેથી કેનાલમાં પાણી જોતાં છ પૈકી એક મિત્રે પોતાનું બાઇક અટકાવી આ કેનાલના પાણીમાં ન્હાવા પડ્યો હતો. માથે ગરમી અને વીક એન્ડનો જુસ્સો હોવાથી આ યુવાન કેનાલના પાણીમાં ન્હાવા પડ્યો હતો. થોડી જ ક્ષણોમાં આ ન્હાવા પડેલો યુવક ડૂબવા લાગતાં તેણે બુમરાણ મચાવી હતી. જેથી તેનો અન્ય એક મિત્ર તેને બચાવવા કેનાલના પાણીમાં પડ્યો હતો, પરંતુ કુદરતને આ મંજૂર નહોતું ને જોતજોતામાં આ બન્ને યુવકો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. અન્ય સાથે આવેલા મિત્રોએ ઘટનાની જાણ આસપાસના લોકોને કરી મદદ મેળવી
આ સમગ્ર બનાવની જાણ મહેમદાવાદ પોલીસને કરવામાં આવતાં પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ગઇકાલે મોડી સાંજે કેનાલના પાણીમાં શોધખોળ આદરી હતી. જે સમયે દેવ પરાગ શાહ (ઉ.વ.21, રહે.સૈયદપુર, બોઘા, અમદાવાદ)નો મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય યશ પ્રકાશ શાહ (ઉ. વ. 19, રહે. રખીયાલ નજીક અમદાવાદ)નો કોઈ ભાળ મળી નહોતી. ઉપરોક્ત દેવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. બનાવના બીજા દિવસે યશનો પણ મૃતદેહને કેનાલના પાણીમાંથી ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. મહેમદાવાદ પોલીસે આ અંગે આકસ્મિક મૃત્યુની નોંધ કરી પરિવારજનો તથા મિત્રોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
