Valsad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને મંત્રીઓ ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ’ની નેમ સાકાર કરતા પાંચ ગૃપ ડીસ્કશન્સમાં સહભાગી થયા હતા.

વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, જાહેર સલામતી અને સેવાક્ષેત્રમાં ગુજરાતને 2047 સુધીમાં વધુ સંગીન બનાવીને વિકસિત ભારત @ 2047 માટે અગ્રેસર રાખવાનું સામૂહિક મંથન થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વમાં રાજય સરકારની બારમી ચિંતન શિબિર (Chintan Shibir) વલસાડ જિલ્લાના આદિજાતિ ક્ષેત્ર ધરમપુર (Dharampur, Valsad)ના શ્રીમદ્ રાજચંન્દ્ર આશ્રમ ખાતે ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે.

સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસના ધ્યેય સાથે યોજાઇ રહેલી આ ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ સત્રના ગૃપ ડીસ્કશન્સમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સક્રિયપણે સહભાગી થયા હતા.

વિકસિત ગુજરાત (Gujarat) માટે ક્ષમતા નિર્માણ અને વ્યકિતગત કામગીરી મૂલ્યાંકન, સંવર્ગોની પુનઃ રચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડવું જેવા વિષયો પરના ચર્ચાસત્રમાં કૃષિમંત્રી જીતુવાઘાણી, શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા, કૃષિ રાજયમંત્રી રમેશભાઇ કટારા અને ઉચ્ચ શિક્ષણ રાજયમંત્રી ત્રિકમ છાંગાએ શિબિરાર્થી વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ અને સુપર ન્યુમરી આસીસ્ટન્ટ કલેકટરોએ વિકસિત ગુજરાત @ 2047 માટે ક્ષમતા નિર્માણથી ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035 માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજયને માનવ સંસાધન વિકાસ, વર્કફોર્સનું કેપેસીટી બિલ્ડીંગ માટેના પ્લેટફોર્મ પૂરૂ પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ માટેની દિશામાં ચિંતન કર્યુ હતું.

પોષણ અને જાહેર આરોગ્યના ચર્ચાસત્રમાં રાજયમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર, એનીમીયા અને પાંચ વર્ષથી નાના બાળકોમાં વેસ્ટીંગ, અન્ડરવેઇટ અને સ્ટન્ટિંગમાં રાજયની સ્થિતિ તથા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આવા અસરકર્તાઓને આપીને તેમની પોષણ સ્થિતિ સુધારવા માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ અને સુદ્રઢીકરણ, ટેકનોલોજી આધારિત સુધારાઓ મહત્વના સૂચકાંકો પર ફોકસ કરવું જેવા જનસુખાકારીને સ્પર્શતા વિષયો પર સહભાગીઓને ચર્ચા કરી હતી.

આ સત્રમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, આરોગ્ય રાજયમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કુટિર અને ગ્રામદ્યોગ રાજયમંત્રી સ્વરૂપજી ઠાકોર અને સનદી અધિકારીઓ જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં નેટ ઝીરો તથા 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસીલ ઊર્જાના ઉપયોગ સહિત મિશન લાઇફ અને એક પેડ મા કે નામ જેવા પર્યાવરણલક્ષી વિચારો આપેલા છે તેને વધુને વધુ ગ્રીન એનર્જીના ઉત્પાદન અને ઉપયોગ તેમજ ગર્વનન્સમાં ગ્રીન એનર્જીથી પર્યાવરણ સંરક્ષણ માટેની હાલની કાર્યયોજના તથા ઊર્જા સ્વાવલંબન અને વિશ્વસનીયતા તેમજ કલાઇમેટ ચેન્જની અસરો, સરક્યુલર ઇકોનોમી અંગે ગહન ચિંતન મંથન શિબિરના હરિત ઊર્જા અને પર્યાવરણ- શાસનમાં ગ્રીન પાવરના ઉપયોગ સત્રમાં કરવામાં આવ્યું હતું.

આ ચર્ચાસત્રમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્યમંત્રીઓ ડો.મનીષા વકીલ, કૌશિક વેકરીયા અને પ્રવિણ માળી તથા આઇ.એ.એસ. અધિકારીઓ સહભાગી થયા હતા.
શિબિરમાં યોજાયેલા જાહેર સલામતિ પબ્લીક સેફટીના ચર્ચાસત્રમાં રસ્તા, પુલો, સરકારી ઇમારતો જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય સ્ટ્રક્ચર્સ, પાણી પુરવઠા માળખું, ગટર વ્યવસ્થાનું પુનર્વસન અને મજબૂતીકરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ફાયર સેફટી અને ઇમરજન્સી સર્વિસીસ જેવા લોકોને વ્યાપક રીતે સ્પર્શતા વિષયોમાં ટેકનોલોજી ઇન્ટીગ્રેશન, ટ્રાન્સપરન્સી, કલેક્ટીવ રીસ્પોન્સીબીલીટી, જાગૃતિ અભિયાન જેવા આયોજનો માટેની હાલની સ્થિતિ અને ભવિષ્યલક્ષી આયોજનો અંગે ગ્રૂપ ડીસ્કશન કરવામાં આવ્યું હતું.
આ ચર્ચાસત્રમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા અને વરિષ્ઠ સનદી અધિકારીઓ તથા જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા.
સેવાક્ષેત્રની વૃધ્ધિ અને વૈવિધ્યકરણ વિષયક સત્રમાં રોજગારી, આઇ.ટી. અને આઇ.ટી.ઇ.એસ. સેક્ટર ગ્લોબલ કેપેસીટી સેન્ટર, નાણાંકીય સેવાઓ, ઉત્પાદન સંલગ્ન સેવાઓ, બંદર સંચાલિત સેવાઓ, ગિગ, કેર અને ગ્રીન ઇકોનોમી સાથે જોડાયેલી સેવાઓમાં વર્તમાન ક્ષેત્રીય પરિદ્દશય અને આ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો તથા ભાવિ આયોજનોથી ગુજરાતને સેવાક્ષેત્રે પણ અગ્રીમ બનાવવાની દિશામાં આ સત્રમાં જોડાયેલા સૌએ પોતાના સુઝાવો અને મંતવ્યો વ્યકત કર્યા હતા.
આ ચર્ચાસત્રમાં નાણાં અને શહેરીવિકાસ મંત્રી કનુ દેસાઇ, રમગમત રાજયમંત્રી ડૉ. જયરામ ગામીત, નાણાં રાજયમંત્રીકમલેશ પટેલ, મહેસૂલ અને આપતિ વ્યવસ્થાપન રાજયમંત્રી સંજયસિંહ મહિડા, આદિજાતિ વિકાસ રાજયમંત્રી પી. સી. બરંડા તથા શિક્ષણ રાજયમંત્રી રીવાબા જાડેજા અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ વિકસિત ભારત @ 2047 નો જે સંકલ્પ આપ્યો છે તેને વિકસિત ગુજરાતથી પાર પાડવા માટે બારમી ચિંતન શિબિરના બીજા દિવસના આ ચર્ચાસત્રો વધુ વેગ આપશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો…
આ પણ વાંચો: રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27 થી 29 નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી
