Navsari News/ લખપતિ દીદી! ચિખલીના સોલધરા ગામની અસ્મિતાબેને મધ-ઉછેરથી સર્જી 10 લાખની કમાણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જાણો ચિખલીના અસ્મિતાબેન પટેલની સફળતાની વાત. મધ-ઉછેર અને સખી મંડળ દ્વારા વાર્ષિક 10 લાખથી વધુની કમાણી કરી તેઓ બન્યા ‘લખપતિ દીદી’ (Lakhpati Didi)

Gujarat
Lakhpati Didi Success Story

Lakhpati Didi Success Story: “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ છે” – આ ઉક્તિને નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન પટેલે અક્ષરશઃ સાચી ઠેરવી છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અસ્મિતાબેને શૂન્યમાંથી સર્જન કરી આજે વાર્ષિક ₹10.20 લાખની આવક મેળવી ‘લખપતિ દીદી’ તરીકે ઉભરી આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમની આ સંઘર્ષથી સફળતા સુધીની સફર દરેક મહિલા માટે પ્રેરણારૂપ છે.

Lakhpati Didi: સંઘર્ષના દિવસો અને મધ-ઉછેરની શરૂઆત

ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા પરિવારમાં જન્મેલા અસ્મિતાબેને અભ્યાસ દરમિયાન પિતાની છત્રછાયા ગુમાવી હતી. જોકે, લગ્ન પછી સાસરિયાઓના સહયોગથી તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને B.A. ની ડિગ્રી મેળવી. ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તેમણે વર્ષ 2010-11માં મધ-ઉછેર (Beekeeping) નો કોર્સ કર્યો અને ઘરેથી જ ઉત્પાદન શરૂ કર્યું.

‘સહ્યાદ્રી સખી મંડળ’ દ્વારા મહિલા સશક્તિકરણ

વર્ષ 2015માં 10 મહિલાઓએ સાથે મળીને ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી હતી. શરૂઆતમાં માત્ર અથાણાં બનાવવાથી શરૂ થયેલી આ નાનકડી સફર આજે વટવૃક્ષ બની ગઈ છે. મિશન મંગલમ યોજના હેઠળ મળેલા ફંડની મદદથી તેમણે રાગી (નાગલી) ના બિસ્કિટ, પાપડ અને વેફરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારબાદ બે લાખની લોન મેળવીને જરૂરી મશીનરી વસાવી અને શુદ્ધ હળદર પાવડર બનાવવાનું કામ પણ હાથ ધર્યું. આજે આ જૂથની મહિલાઓ મધ પેકિંગ, આમળા કેન્ડી અને વાંસની હસ્તકલા જેવી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને દેશભરના મેળાઓમાં તેનું સફળતાપૂર્વક વેચાણ કરી રહી છે.

PM મોદી સાથે ત્રણ મુલાકાત અને રાષ્ટ્રીય સન્માન

અસ્મિતાબેનની મહેનતની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે, જેના ફળસ્વરૂપે તેમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, તેમની સિદ્ધિઓને બિરદાવતા ગુજરાત સરકાર દ્વારા તેમને “કૃષિ રત્ન પુરસ્કાર” એનાયત કરાયો છે અને જિલ્લા કક્ષાએ પણ ‘આત્મા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

VGRC દક્ષિણ ગુજરાત: નવી તકોનું દ્વાર

આગામી એપ્રિલ 2026 માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) નું આયોજન થવાનું છે. આ મંચ દ્વારા અસ્મિતાબેન જેવા ગ્રામીણ ઉદ્યોગકારોને તેમના ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાની નવી તક મળશે. અસ્મિતાબેન આજે માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બન્યા, પણ અન્ય 10 મહિલાઓને પણ રોજગારી આપી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી રહ્યા છે.


આ પણ વાંચો:PM મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં લખપતિ દીદી યોજનાથી બદલાઈ રહી છે મહિલાઓની જિંદગી

આ પણ વાંચો: PM મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં લખપતિ દીદી યોજનાથી બદલાઈ રહી છે મહિલાઓની જિંદગી

આ પણ વાંચો: ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન