Rajkot News/ રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિથી ખળભળાટ

રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) એ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે. મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવે છે.

Gujarat Top Stories Rajkot
Indranil Rajyaguru Political Retirement

Indranil Rajyaguru Political Retirement: રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિથી ખળભળાટગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ ઇન્દ્રનીલભાઈના આ નિર્ણયથી કોંગ્રેસ છાવણીમાં મોટી ચિંતા પ્રસરી છે.

“કોઈ કાર્યક્રમમાં હાજર નહીં રહું” – Indranil Rajyaguru

પોતાની નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, હવેથી તેઓ કોઈપણ રાજકીય કે સામાજિક પ્રસંગોમાં હાજરી આપશે નહીં. જોકે, તેમણે પક્ષ પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવતા ઉમેર્યું કે, “કોંગ્રેસ પક્ષને જ્યારે પણ માનસિક કે આર્થિક મદદની જરૂર હશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ, પરંતુ જાહેરમાં મારી હાજરી કોઈ કાર્યક્રમમાં જોવા મળશે નહીં.”

રાજકીય સફર અને ઉતાર-ચઢાવ

26 જૂન 1966ના રોજ જન્મેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. તેમણે આઠ વર્ષ પહેલા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી લડીને સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું. રાજકીય કારકિર્દીમાં ઉથલપાથલ વચ્ચે, થોડા સમય પહેલા તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા, પરંતુ ત્યાં લાંબો સમય ટકી શક્યા નહીં અને આંતરિક નારાજગીને કારણે અંતે ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.

કોંગ્રેસ માટે કેમ છે મોટો ઝટકો?

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનો મોટો ચહેરો હતા. તેમની પાસે મોટું જનસમર્થન અને આર્થિક તાકાત પણ છે. સેન્સ પ્રક્રિયા (ટિકિટ ફાળવણી) ચાલી રહી હોય ત્યારે જ તેમનું નિવૃત્ત થવું એ ભાજપ માટે રસ્તો સરળ બનાવી શકે છે અને કોંગ્રેસના કાર્યકરોના મનોબળને તોડી શકે છે.


આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલે સંસદમાં ગુજરાતના ખેડૂતોની વ્યથા અને આત્મહત્યાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા

આ પણ વાંચો: સંસદના 2025 ચોમાસું સત્રમાં ભાવનગરનો મજબૂત અવાજ

આ પણ વાંચો: ગુજરાતમાં પાણી ભરાવવાની સમસ્યા ભ્રષ્ટાચારને આભારીઃ શક્તિસિંહ ગોહિલ