Abu Dhabi Missile Debris Fire: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની આગ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ રહી છે. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં શનિવારે (આજે –તા.28/03/2026) વહેલી સવારે મિસાઇલ હુમલાને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. UAE ની એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મન દેશ દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી, પરંતુ તેનો કાટમાળ રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં પડતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 5 ભારતીય નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
KEZAD વિસ્તારમાં મિસાઇલનો કાટમાળ પડ્યો
મળતી માહિતી મુજબ, અબુ ધાબીના (UAE) સૌથી મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક હબ ગણાતા ‘ખલીફા ઇકોનોમિક ઝોન’ (KEZAD) પાસે મિસાઇલનો કાટમાળ પડવાને કારણે બે અલગ-અલગ જગ્યાએ આગ લાગી હતી. ઇજાગ્રસ્ત થયેલા પાંચેય ભારતીય નાગરિકોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક ફાયર ફાઇટરો અને વિશેષ ટીમો તૈનાત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
UAE માં વહેલી સવારથી જ એલર્ટ જાહેર કરાયું હતું
ઈરાન તરફથી સંભવિત મિસાઇલ હુમલાના જોખમને જોતા UAE ના સંરક્ષણ મંત્રાલયે ગુરુવાર સવારથી જ સુરક્ષા ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા અને કોઈ પણ અજાણ્યા મલબા કે કાટમાળને ન અડવાની સૂચના આપવામાં આવી હતી. સવારે 3:26 વાગ્યે પહેલી ચેતવણી આપવામાં આવી હતી, ત્યારબાદ શ્રેણીબદ્ધ ધડાકાઓનો અવાજ સમગ્ર અમીરાતમાં સાંભળવા મળ્યો હતો.
સરકારની અપીલ: અફવાઓથી દૂર રહો
અબુ ધાબી (UAE) મીડિયા ઓફિસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક બેલેસ્ટિક મિસાઇલોને અટકાવી છે અને ફાઇટર જેટ્સ દ્વારા ડ્રોન હુમલાઓને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ જનતાને વિનંતી કરી છે કે તેઓ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે અને સોશિયલ મીડિયા પર કોઈ પણ પુષ્ટિ વગરની માહિતી કે અફવાઓ ન ફેલાવે.
આ પણ વાંચો :પુતિનની ચેતવણી- ‘ઈરાન યુદ્ધ કોરોના કરતા પણ વધુ ખતરનાક સાબિત થશે’
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત

